25 November, 2026 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના પડદા પર પંદરમી સદીના જાણીતા કવિ, સંત અને સમાજસુધારક સંત કબીરની ભૂમિકામાં જોવા મળી શકે છે એવા રિપોર્ટ છે. મહાવીર જૈન ફિલ્મ્સે ૧૯ નવેમ્બરે સંત કબીરદાસના જીવન પર આધારિત ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ ‘કબીરા’ રાખવામાં આવ્યું છે. જોકે પ્રોડક્શન હાઉસે હજુ સુધી ફિલ્મમાં સંત કબીરની ભૂમિકા ભજવનાર અભિનેતાના નામની જાહેરાત કરી નથી, પણ ચર્ચા પ્રમાણે આ ભૂમિકા માટે આયુષ્માન ખુરાનાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મહાવીર જૈન ફિલ્મ્સે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું સહ-નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મ પર સાથે કામ કરવાનો બન્નેનો અનુભવ સારો રહ્યો હોવાનું કહેવાય છે. આ જ કારણસર પ્રોડક્શન હાઉસ પોતાની આગામી ફિલ્મમાં પણ આયુષ્માનને સાઇન કરવા માગે છે. ફિલ્મમેકરોનું માનવું છે કે આયુષ્માનનો અવાજ અને દેખાવ બન્ને આ ફિલ્મમાં સંત કબીરની ભૂમિકા માટે યોગ્ય છે.મળતી માહિતી પ્રમાણે ‘કબીરા’નું શૂટિંગ ૨૦૨૭ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે. જો વ્યસ્ત શેડ્યુલ અથવા અન્ય કોઈ કારણસર આયુષ્માન આ ફિલ્મનો ભાગ નહીં બની શકે તો ફિલ્મમેકરો સંત કબીરની ભૂમિકા માટે કોઈ નવા અભિનેતાને તક આપશે.