30 April, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબિલે પિતા સાથેનો એક જૂનો ફોટો શૅર કર્યો
બૉલીવુડમાં કેટલાક સ્ટાર્સ એવા છે જે આંખોથી ઓઝલ થઈ જાય તો પણ દિલમાં તેમની યાદગીરી જળવાયેલી રહે છે. બૉલીવુડમાં ‘પાન સિંહ તોમર’, ‘હિન્દી મીડિયમ’ અને ‘લંચ બૉક્સ’ જેવી ફિલ્મોમાં ઍક્ટિંગની પોતાની આગવી છાપ છોડી જનાર ઇરફાન ખાનનું કૅન્સરને કારણે ૨૦૨૦ની ૨૯ એપ્રિલે અવસાન થયું હતું. ગઈ કાલે ઇરફાનની ડેથ-ઍનિવર્સરી હતી અને એ દિવસે ઇરફાનના દીકરા બાબિલે પોતાની હૃદયસ્પર્શી પોસ્ટથી પિતાને યાદ કર્યા હતા.
આ દિવસે બાબિલે પિતા સાથેનો એક જૂનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં ઇરફાન સાથે નાનકડો બાબિલ દેખાય છે. બન્નેએ ચશ્માં પહેર્યાં છે અને બાબિલ બિલકુલ પિતાની કૉપી લાગે છે.
આ તસવીર સાથે બાબિલે લખ્યું છે, ‘તમારી સાથે, તમારા વગર... જિંદગી ચાલતી રહે છે, મારી સાથે, મારા વગર. જલદી હું પણ ત્યાં પહોંચી જઈશ. તમારી સાથે, તમારા વગર નહીં અને આપણે સાથે-સાથે દોડીશું અને ઊડીશું, ઝરણાંમાંથી પાણી પીઈશું. હું તમને બહુ ટાઇટ ગળે લગાડીશ અને રડીશ, પછી આપણે હસીશું જેવી રીતે પહેલાં હસતા હતા. મને તમારી યાદ આવી છે.’
બાબિલની આ ઇમોશનલ પોસ્ટ પર ફૅન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.