19 May, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબિલ ખાન
દિવંગત અભિનેતા ઇરફાન ખાનના દીકરા બાબિલ ખાને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરીને ફિલ્મોમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. બાબિલે બ્રેકની જાહેરાત કરતાં જણાવ્યું છે કે મેં તેલુગુ ડિરેક્ટર સાઈ રાજેશની સાઇન કરેલી ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. બાબિલે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, ‘ઘણી હિંમત, જુસ્સો અને પરસ્પર સન્માન સાથે, સાઈ રાજેશ સર અને હું આ જાદુઈ સફર પર એકસાથે આવ્યા હતા. દુર્ભાગ્યે, અણધારી પરિસ્થિતિઓને કારણે, યોજનાઓ પ્રમાણે બાબતો આગળ વધી ન શકી. હું હાલમાં થોડો સમય બ્રેક લઈ રહ્યો છું એથી હું સાઈ રાજેશ સર અને ફિલ્મની ટીમને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. મને ખબર છે કે અમારી વચ્ચે ખૂબ પ્રેમ છે અને અમે ભવિષ્યમાં જલદી પાછા મળીશું અને સાથે મળીને જાદુ કરીશું.’ બાબિલના આ બ્રેકની જાહેરાત વિશે પોતાનો અભિપ્રાય આપતાં તેની માતા સુતાપા સિકંદરે કહ્યું હતું કે ‘દરેક માતા ઇચ્છે કે તેનું બાળક ખુશ રહે. મારું પણ આ જ સપનું છે. મારું માનવું છે કે દરેક બાળક એક સારો બ્રેક ડિઝર્વ કરે. હું ઇચ્છું છું કે મારો દીકરો એક સુંદર વેકેશન પર જાય, પોતાને માટે થોડો સમય કાઢે. અમે વિદેશમાં વેકેશન માટે જઈ રહ્યાં છીએ અને તે આ શાંતિનો પૂરો હકદાર છે.’