✕

OTT જંક્શન

25 September, 2026 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અઠવાડિયે ઓટીટી પર હુਮਾ કુરેશીની ‘બેબી ડૂ ડાય ડૂ’, પરિણીતિ ચોપડાની ‘શક’, અનીત પડ્ડાની ‘હુંકાર’, ‘ટૉક્સિક’, ‘ડોન્ટ બી શાય’ અને ‘બકૈતી 2’ જેવી ફિલ્મો અને સિરીઝ જોવા મળશે.

બેબી ડૂ ડાય ડૂ

બેબી ડૂ ડાય ડૂ

હુમા કુરેશીને લીડ રોલમાં ચમકાવતી ‘બેબી ડૂ ડાય ડૂ’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા બે જોડિયાં બહેનોથી શરૂ થાય છે, જે ઉત્સુકતામાં એક બંધ પડેલી ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચી જાય છે. ત્યાં તેઓ એક હત્યાની સાક્ષી બની જાય છે. હત્યારો એક બહેનની હત્યા કરી નાખે છે, જ્યારે બીજી કોઈ રીતે બચી જાય છે. વર્ષો બાદ એ જ યુવતી મોટી થઈને બોલી-સાંભળી ન શકતી પણ અત્યંત ખતરનાક કૉન્ટ્રૅક્ટ કિલર બેબી કરમરકર બને છે. તેની જિંદગીમાં પ્રેમની એન્ટ્રી થતાં વાર્તામાં મોટો ટ્‍‌વિસ્ટ આવે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.

શક : ટ્રસ્ટ નો વન 

પરિણીતિ ચોપડાની સૌપ્રથમ વેબ-સિરીઝ ‘શક : ટ્રસ્ટ નો વન’ એક મિસ્ટરી-થ્રિલર છે. વાર્તા એવી માતાની છે જે હૉસ્પિટલમાંથી પોતાની નવજાત દીકરીનું અપહરણ થયાના ૯ વર્ષ બાદ પણ તેની શોધ છોડતી નથી. તેની આસપાસની દરેક વ્યક્તિ પર તેને સતત શંકા રહે છે. આ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેની ગુમ થયેલી દીકરી જેવી દેખાતી યુવતીના ફોટોગ્રાફ્સ સામે આવે છે. તપાસ આગળ વધતાં પરિણીતિના પાત્રને પોતાના સૌથી નજીકના લોકોની વફાદારી પર પણ સવાલ ઉઠાવવા પડે છે. સિરીઝમાં જેનિફર વિંગેટ, તાહિર રાજ ભસીન, સોની રાઝદાન, સુમિત વ્યાસ, અનુપ સોની અને હરલીન સેઠી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર જોવા મળશે.

હુંકાર - ધ રોર

‘સૈયારા’ ફેમ અનીત પડ્ડાની ‘હુંકાર - ધ રોર’ એક સોશ્યલ-કોર્ટરૂમ વેબ-સિરીઝ છે. આ સિરીઝની વાર્તા ૧૭ વર્ષની મીનુ રાવતની છે, જે આધ્યાત્મિક સંપ્રદાયના વડા સુનીલ ચાકોસી ઉર્ફે ‘બાપજી’ પર યૌન શોષણના ગંભીર આરોપ મૂકે છે. આરોપ બાદ ભક્તિ અને ભય પર ઊભી થયેલી આખી વ્યવસ્થા સામે સવાલો ભા થાય છે. કડક પોલીસ-અધિકારી ફાતિમા સના શેખ ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરે છે. સિરીઝમાં મોહમ્મદ ઝીશાન અયૂબ, અર્જુન માથુર, રઘુબીર યાદવ અને રામ કપૂર પણ જોવા મળશે. આ વેબ-સિરીઝ જિયો હૉટસ્ટાર પર જોવા મળશે.

ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ

બૉક્સ-ઑફિસ પર બહુ ન ગાજી શકેલી આ ફિલ્મમાં સ્વાતંય પછીના ગોવા પર આધારિત વાર્તા છે, જેમાં ડ્રગ્સ અને ક્રાઇમ સિન્ડિકેટની દુનિયામાં રાયા નામનો ગૅન્ગસ્ટર સત્તાની લડાઈ લડે છે. તેની બહેન ગંગા, સૅલ્વાડોર, રેબેકા અને નાદિયાનાં પાત્રો સાથે પ્રેમ, ગુનો અને સત્તાનું જાળું રચાય છે. ફિલ્મ હિન્દી ડબ વર્ઝનમાં પણ ઉપલબ્ધ રહેશે. આ ફિલ્મ ઝી5 પર જોવા મળશે. 

ડોન્ટ બી શાય

આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટના બૅનર ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ‘ડોન્ટ બી શાય’ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં ચાર નવા ચહેરાઓને લૉન્ચ કરવામાં આવ્યા છે. આરુષિ બજાજે શ્યામિલી ‘શાય’ દાસનું પાત્ર ભજવ્યું છે જે સ્વતંત્ર વિચારસરણી ધરાવતી યુવતી છે. તેની જિંદગી ત્યારે ગૂંચવાઈ જાય છે, જ્યારે તે ફેમસ મયંક અને બાળપણના મિત્ર ધ્રુવ વચ્ચે અટવાઈ જાય છે. રહસ્યમય તારા આ પ્રેમકથાને વધુ રસપ્રદ બનાવી દે છે. ફિલ્મમાં કુણાલ રૉય કપૂર, અનુરાગ બાસુ, નેહા ધુપિયા અને અંજુ અલ્વા નાઈક પણ છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.

‘બકૈતી 2’

ફરી એક વાર કટારિયા પરિવારની મજેદાર અને ભાવનાત્મક કહાની લઈને આવી છે. આ વખતે આખો પરિવાર પોતાના વારસાગત ઘર ‘કટારિયા કુટિર’ના ભવિષ્યને લઈને મુશ્કેલીમાં છે. આ વેબ-સિરીઝ ઝી5 પર જોવા મળશે.

huma qureshi parineeti chopra toxic alia bhatt netflix zee5 prime video entertainment news web series