11 July, 2025 07:00 AM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
રાણા દગુબટ્ટી, વિજય દેવરાકોન્ડા
દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED) દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન (Betting App Scam) આપવાના આરોપમાં ૨૯ ફિલ્મ સેલિબ્રિટીઝ, યુટ્યુબર્સ અને ઈનફ્લુએર્ન્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો. આ યાદીમાં અનેક મોટા નામ છે, જેને કારણે ફેન્સને ઝટકો લાગ્યો છે.
વિજય દેવરાકોન્ડા (Vijay Deverakonda), રાણા દગુબટ્ટી (Rana Daggubati), લક્ષ્મી મંચુ (Lakshmi Manchu) અને અન્ય સેલેબ્ઝ ઇડીના સકંજામાં આવી ગયા છે. જોકે, આ યાદી બહુ લાંબી છે. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાના કેસમાં ઇડીની યાદીમાં અન્ય નામો છે પણ છે. જેમાં પ્રકાશ રાજ (Prakash Raj), નિધિ અગ્રવાલ (Nidhhi Agerwal), અનન્યા નાગલ્લા (Ananya Nagalla), પ્રનિતા સુભાષ (Pranitha Subhash), એન્કર શ્રીમુખી અને શ્યામલા (Sreemukhi and Shyamala), યુટ્યુબર હર્ષ સાંઈ (Harsha Sai), બૈયા સન્ની યાદવ (Bayya Sunny Yadav) અને ‘લોકલ બોય’ નાની (‘Local Boy’ Nani) પણ છે.
પોલીસે તેલંગાણા (Telangana)માં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવા બદલ લોકપ્રિય કલાકારો અને યુટ્યુબર્સ સહિત અનેક સેલિબ્રિટીઓ સામે કેસ નોંધ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, EDનો કેસ હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ (Hyderabad Cyberabad Police) દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે.
ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં તેમનું કહેવું થાય છે કે, ઘણા યુવાનો અને સામાન્ય લોકો પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સને આ સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરતા જોઈને તેના પર પૈસા રોકી રહ્યા છે. આ એપ્સ મધ્યમ અને નીચલા-મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સંકટમાં મૂકી રહી છે.
૩૨ વર્ષીય ફરિયાદી ફણીન્દ્ર શર્માએ દાવો કર્યો હતો કે, ઘણા લોકો આવી એપ્સનો ભોગ બન્યા હતા કારણ કે સટ્ટાબાજીમાં ભાગ લેતી વખતે તેમની બચત ગુમાવી હતી. તેમણે સેલિબ્રિટીઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ આવી એપ્સને પ્રોત્સાહન આપવા માટે મોટી રકમ સ્વીકારે છે, જેનાથી લોકો, ખાસ કરીને જેઓ પહેલાથી જ નાણાકીય સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, તેઓ રોકાણ કરવા માટે વધુ પ્રભાવિત થાય છે, જેના પરિણામે નાણાકીય નુકસાન થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે BNS, IT એક્ટ અને ઓનલાઈન છેતરપિંડી અને છેતરપિંડીને લગતા કાયદાઓની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
EDએ હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ મામલાને આગળ ધપાવ્યો છે અને પ્રમોશન, નાણાકીય વ્યવહારો અને ટેક્સ રેકોર્ડ માટે આ સેલિબ્રિટીઓ પાસેથી મળેલા ચૂકવણીની તપાસ શરૂ કરી છે. આ એપ્સમાં હજારો કરોડ રૂપિયાના વ્યવહારો સામેલ છે, જે યુવાનોને સરળ કમાણીની લાલચ આપીને તેમને નાણાકીય અને માનસિક નુકસાન પહોંચાડી રહ્યા છે. EDની તપાસથી આ સેલિબ્રિટીઓ પર દંડ અને કાનૂની કાર્યવાહીનું જોખમ વધી ગયું છે.