31 October, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન-ઐશ્વર્યાની તસવીરથી વિવાદ
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડી આજે પણ લોકોનાં દિલોમાં વસેલી છે. ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં બન્નેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં કરવા ચૌથનું દૃશ્ય અને એનાં ગીતો આજે પણ તહેવાર આવતાં જ ફૅન્સને યાદ આવી જાય છે. તાજેતરમાં જ આખા દેશમાં કરવા ચૌથનો તહેવાર ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંજય લીલા ભણસાલીની પ્રોડક્શન કંપની ભણસાલી પ્રોડક્શન્સે એવી તસવીર શૅર કરી હતી જેના કારણે સોશ્યલ મીડિયા પર નવો વિવાદ ઊભો થયો છે.
ભણસાલી પ્રોડક્શન્સે કરવા ચૌથના અવસરે ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માંથી સલમાન અને ઐશ્વર્યાની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં બન્ને ચંદ્રની સાથે જોવા મળે છે. આ દૃશ્ય
ફિલ્મના યાદગાર પ્રસંગ સાથે જોડાયેલું છે. ભણસાલી પ્રોડક્શન્સે આ તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘કેટલીક તસવીરો, કેટલીક યાદો અને પ્રેમની એક સુંદર કહાની... કરવા ચૌથની શુભકામનાઓ.’ આ સાથે પોસ્ટમાં સલમાન અને ઐશ્વર્યાને પણ ટૅગ કરવામાં આવ્યાં હતાં. આ પોસ્ટ સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ આ પોસ્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ફિલ્મના નિર્માતાઓની ટીકા કરી હતી.
લોકોની દલીલ હતી કે બન્ને કલાકારોના ભૂતકાળ અને અંગત ઇતિહાસને ધ્યાનમાં રાખતાં આ પ્રકારની કૅપ્શન લખવી અને તેમને ટૅગ કરવાં એ નિર્માતાઓની બિનજવાબદાર હરકત છે.