30 August, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉમેડિયન ભારતી સિંહ ફોટોગ્રાફર્સ સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરીને થઈ ગઈ ઈમોશનલ
કૉમેડિયન ભારતી સિંહે ફોટોગ્રાફર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપતાં તે ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ભારતીનો ફોટોગ્રાફર્સ સાથે હંમેશાં સારો અને મિત્રતાભર્યો સંબંધ રહ્યો છે. આ સેલિબ્રેશનના વિડિયોમાં તે કેટલાક ફોટોગ્રાફર્સની આરતી કરતી અને તેમને રાખડી બાંધતી પણ જોવા મળી રહી છે. તેમાંથી એક વ્યક્તિએ તેને ભગવાન ગણેશની મૂર્તિ ભેટમાં આપી હતી જ્યારે અન્ય લોકોએ પણ તેને કેટલીક ભેટ આપી હતી. આ ખાસ ભેટો જોઈને ભારતી ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી.આ પછી ફોટોગ્રાફર્સનો આભાર માનતાં ભારતીએ કહ્યું હતું કે ‘થૅન્ક યુ મિત્રો. ખૂબ-ખૂબ આભાર. મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયું કે મીડિયા કોઈને ગિફ્ટ આપી રહ્યું હોય. કેટલાક લોકો એવા છે જેમની સાથે મને ભાઈ જેવું લાગે છે. હું તેમને અવારનવાર મળતી નથી, પણ આજે મેં તેમની સાથે હાથ મિલાવ્યો. ખૂબ-ખૂબ આભાર મિત્રો. હવે આ ભાઈ-બહેનનો સંબંધ જળવાઈ રહેવો જોઈએ. હું રક્ષાબંધન પર ક્યાંય પણ શૂટિંગ કરી રહી હોઉં, તમારે આવવાનું છે. આવશોને?’ ભારતીના આ સવાલોનો જવાબ આપતાં ફોટોગ્રાફર્સે કહ્યું કે ‘હા, અમે આવીશું.’