ન્યુટ્રિશન-પ્રોડક્ટમાંથી ઈયળો નીકળી, બિપાશા બાસુએ કરી સીધી તુકારામ મુંઢેને ફરિયાદ

11 September, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિપાશાએ જે પ્રોડક્ટ વિશે ફરિયાદ કરી છે એ બ્રૅન્ડ મુખ્યત્વે વ્હે પ્રોટીન આઇસોલેટ અને અન્ય સપ્લિમેન્ટ્સ માટે જાણીતી છે

બિપાશાએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો હતો

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે છેલ્લા કેટલાક સમયથી ફૂડ-સેફ્ટી મામલે સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બિપાશા બાસુએ પણ એક ન્યુટ્રિશન-પ્રોડક્ટને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બિપાશાએ જે પ્રોડક્ટ વિશે ફરિયાદ કરી છે એ બ્રૅન્ડ મુખ્યત્વે વ્હે પ્રોટીન આઇસોલેટ અને અન્ય સપ્લિમેન્ટ્સ માટે જાણીતી છે. આ પ્રોડક્ટ્સને લો-કાર્બના અથવા ઝીરો-કાર્બ વિકલ્પ તરીકે બજારમાં વેચવામાં આવે છે.

બિપાશાએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે ન્યુટ્રિશન-પ્રોડક્ટનો નવો ડબ્બો ખોલતાં અંદર નાની-નાની ઈયળો જોવા મળી હતી. બિપાશાએ પછી આ મામલે તુકારામ મુંઢેને ટૅગ કરીને સીધી મદદની અપીલ પણ કરી છે.

બિપાશાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું : ‘તુકારામ મુંઢે, તમે જ અમારી એકમાત્ર આશા છો જેથી અમે જે પણ વસ્તુ ખરીદીએ એમાં કોઈ ભેળસેળ ન હોય અને એ બગડેલી ન હોય.’

bipasha basu food and drug administration tukaram mundhe viral videos entertainment news bollywood bollywood news