HBD ધનુષઃ કરોડોની સંપત્તિનો માલિક છે રજનીકાન્તનો જમાઈ

28 July, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધનુષ પાસે બેન્ટલી કૉન્ટિનેન્ટલ જીટી અને અન્ય હાઇ-એન્ડ કાર છે

ધનુષની ફાઈલ તસવીર

દક્ષિણ ભારતીય ફિલ્મોની સાથે બૉલિવૂડમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર સુપરસ્ટાર રજનીકાન્ત (Rajinikanth)નો જમાઈ અને અભિનેતા પ્રભુ કસ્તુરી રાજા ઉર્ફે ધનુષ (Dhanush)નો આજે ૩૮મો જન્મદિવસ છે. આજે તેના જન્મદિવસે જાણીએ તેના અંગત જીવનની કેટલીક રસપ્રદ વાતો.

ધનુષનો જન્મ ૨૮ જુલાઈ ૧૯૮૩માં ચેન્નઇમાં થયો હતો. તેણે પોતાની જાતે પોતાની ઓળખ બનાવી છે. ધનુષ પ્રથમ નજરે સામાન્ય છોકરા જેવો લાગે. પરંતુ તેના અભિનયને કારણે તેને વર્ષ ૨૦૧૧માં બેસ્ટ અભિનેતાનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો. તેનું ગીત ‘કોલાવર ડી’ આખી દુનિયામાં પ્રસિદ્ધ થયું હતું.

વર્ષ ૨૦૦૪માં તેણે સુપરસ્ટાર રજનીકાન્તની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી. ઐશ્વર્યા ધનુષ કરતા ઉંમરમાં બે વર્ષ મોટી છે. ધનુષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત રજનીકાન્તના જમાઈ તરીકે નથી ઓળખાતો, પણ તેણે પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. ૧૯ વર્ષની ઉંમરમાં અભિનયની દુનિયામાં પગ મુકનાર ધનુષ ભલે સાદું જીવન જીવે છે પરંતુ તે કરોડોની સંપત્તિનો માલિક છે.

એક રિપોર્ટ મુજબ, ધનુષ આશરે ૧૮૦ કરોડ રુપિયાનો માલિક છે. તે ફિલ્મો દ્વારા કરોડોની કમાણી કરે છે. એક ફિલ્મ માટે લગભગ ૭ થી ૮ કરોડ રુપિયા લે છે. અહેવાલો પ્રમાણે, ધનુષે શેખર કામ્મુલાની ફિલ્મ માટે આશરે ૫૦ કરોડ રુપિયાની માંગ કરી છે. જોકે, હજી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ધનુષ તેની પત્ની ઐશ્વર્યા અને બે બાળકો સાથે ચેન્નઇના સૌથી પૉશ વિસ્તાર અલવરપેટમાં ખૂબ જ વૈભવી બંગલામાં રહે છે. સમાચારો પ્રમાણે, આ બંગલાની કિંમત ૧૮ કરોડ રુપિયા છે. તે અપાર્ટમેન્ટની બાલકની ખુબ જ અદભૂત છે, ત્યાંથી પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે. એટલું જ નહીં, બંગલામાં એક ખુલ્લી જગ્યા પણ છે જેમાં છોડ ઉગાડેલા છે અને ટેરેસ ગાર્ડન પણ છે.

તાજેતરમાં અભિનેતા ધનુષે નવા ઘર માટે પ્લૉટ પણ લીધો છે. પોએસ ગાર્ડન વિસ્તારમાં લેવામાં આવેલા આ ઘરની કિંમત ૧૫૦ કરોડ રુપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોએસ ગાર્ડન સહુથી મોંઘા વિસ્તારમાંથી એક છે. આ જ વિસ્તારમાં તમિલનાડુના દિવંગત મુખ્ય પ્રધાન જયલલિતા અને સુપરસ્ટાર રજનીકાન્તનું પણ ઘર છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ધનુષે નવા ઘર માટે ભૂમિ પુજન પણ કર્યું હતું.

ધનુષ ફક્ત વૈભવી બંગલાનો જ નહીં પણ વૈભવી ગાડીઓનો પણ માલિક છે. તેની પાસે બેન્ટલી કૉન્ટિનેન્ટલ જીટી અને અન્ય હાઇ-એન્ડ કાર છે. આ કારની કિંમત ૩.૪૦ કરોડ રુપિયા છે. ધનુષ પાસે રૉલ્સ રોયેસ પ્રીમિયમ બ્લેક પણ છે. તમને જણાવી દઈએ કે, ધનુષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ચોથો વ્યક્તિ છે જેની પાસે આ ગાડીઓ હોય.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ધનુષ બહુ જલ્દી હૉલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips happy birthday rajinikanth dhanush