`બૉબ બિસ્વાસ` Review : ‘બૉબ’ની બબાલ

05 December, 2021 02:43 PM IST  |  Mumbai | Harsh Desai

સુજૉયના સ્ક્રીનપ્લેને દિયાએ ખૂબ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યો છે : અભિષેકની ઍક્ટિંગ અદ્ભુત છે

નો સીન

ફિલ્મ: બૉબ બિસ્વાસ

કાસ્ટ : અભિષેક બચ્ચન, ચિત્રાંગદા સિંહ, પૂરબ કોહલી

ડિરેક્ટર : દિયા અન્નપૂર્ણા ઘોષ

રિવ્યુ: ટાઇમ પાસ
  
અભિષેક બચ્ચનની ‘બૉબ બિસ્વાસ’ શુક્રવારે ઝીફાઇવ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. સુજૉય ઘોષની ‘કહાની’ના પાત્ર બૉબ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે જેને સુજૉયની દીકરી દિયા અન્નપૂર્ણા ઘોષે ડિરેક્ટ કરી છે. શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અભિષેક સાથે ચિત્રાંગદા સિંહે કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની શરૂઆત કલકત્તામાં થાય છે અને એમાં કેવી રીતે ‘બ્લુ’ નામના ડ્રગ્સને સ્ટુડન્ટ્સમાં ફેલાવવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. આ ડ્રગ્સ દ્વારા સ્ટુડન્ટ્સ તેમનું ફોકસ સ્ટડી પર કેન્દ્ર‌િત કરી શકે છે, પરંતુ એને કારણે તેમને એના વગર ચાલતું નથી અને એ માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે. આ ડ્રગ્સના ડીલરનું પાત્ર પૂરબ કોહલીએ ભજવ્યું છે. ત્યાર બાદ સ્ટોરી આગળ વધે છે અને દેખાડવામાં આવે છે કે બૉબ બિસ્વાસ કેવી રીતે આઠ વર્ષ કોમામાં રહ્યા બાદ કોમામાંથી બહાર આવે છે. તે બધું ભુલી ચૂક્યો હોય છે અને ત્યાર બાદ જેમ-જેમ સ્ટોરી આગળ વધતી જાય છે એમ તે નવા-નવા પાત્રને મળતો જાય છે. તે તેની પત્ની અને બાળકોને મળે છે. ત્યાર બાદ બે પોલીસ ઑફિસર તેને મળે છે અને તેની પાસે એવું કામ કરાવે છે જે તેને કરવાની જરાય ઇચ્છા ન હોય. જોકે આગળ શું થાય? બૉબની યાદદાસ્ત ફરી આવે છે કે નહીં એ માટે ​ફિલ્મ જોવી રહી.
સ્ક્રીનપ્લે
સુજૉય ઘોષ દ્વારા લખવામાં આવેલા સ્ક્રીનપ્લેને સ્ક્રીન પર રજૂ કરવાનું કામ તેની દીકરી દિયાએ કર્યું છે. ફિલ્મના ડાયલૉગ સુજૉયની સાથે રાજ વસંતે લખ્યા છે. સુજૉયે ખૂબ અદ્ભુત સ્ક્રીનપ્લે લખ્યો છે. તેણે દરેક પાત્રને પૂરતો સમય આપ્યો છે અને લોકોની સાથે કનેક્ટ થવા માટે તેણે પૂરતી સ્પેસ લીધી છે. ફિલ્મ થોડી લાંબી છે, પરંતુ સુજૉયનો સ્ક્રીનપ્લે એને જસ્ટિફાય કરે છે. સ્ક્રીનપ્લેનો પ્લસ પૉઇન્ટ એ છે કે બૉબને જે પણ જાણ થાય છે એ દર્શકોની સાથે-સાથે થાય છે. ‘ધ ફૅમિલી મૅન’માં જે રીતે શ્રીકાંત તિવારીને નથી ખબર હોતી કે તેની પત્નીએ લોનાવલામાં શું કર્યું હતું એ જ રીતે એ દર્શકોને પણ દેખાડવામાં નથી આવ્યું. સુજૉયનો આ માસ્ટર સ્ટ્રોક છે કે તે બૉબ અને દર્શકોને સાથે લઈને ચાલે છે. સુજૉયનો સ્ક્રીનપ્લે તેની દીકરી દિયાએ ખૂબ સારી રીતે દેખાડ્યો છે. તેણે જરૂરી તમામ સ્પેસ આપી છે જેથી દર્શકોને પણ આ ડાર્ક અને થ્રિલર ફિલ્મને સમજવાનો અને કનેક્ટ થવાનો ચાન્સ મળે. ‘કહાની’ જેવી હોવા છતાં આ ફિલ્મને એકદમ ફ્રેશ લુક સાથે રજૂ કરવામાં આવી છે. બાપ-દીકરી દ્વારા ઘણા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન દ્વારા શૉક આપવામાં આવ્યા છે.
પર્ફોર્મન્સ
અભિષેક બચ્ચને ખૂબ સારું કામ કર્યું છે. ‘બ્રીથ’માં પણ તેણે ડાર્ક પાત્ર ભજવ્યું હતું અને અહીં પણ તેનું પાત્ર ડાર્ક છે. જોકે એ તેણે ભજવેલાં પાત્રો કરતાં એકદમ અલગ છે. અહીં ડિરેક્ટર્સ અને રાઇટર્સ દ્વારા સતત એક સવાલ કરવામાં આવ્યો છે કે બૉબ સારો માણસ છે કે ખરાબ? આ સવાલને અભિષેકે પણ તેની ઍક્ટિંગ દ્વારા લોકોને વિચારતા રાખ્યા છે. તેણે કોમામાંથી બહાર નીકળેલા એક કન્ફ્યુઝ વ્યક્તિના પાત્રમાં ચાર ચાંદ લગાવી દીધા છે. સ્ટોરી આગળ વધતાં એના શેડ્સ પણ બદલાતા રહે છે. કોમામાંથી બહાર આવ્યા બાદ તે જે રીતે પહેલી વાર બંદૂક ચલાવે છે એ જોઈને તેને પણ તેનાં નિશાન જોઈ‌ને આશ્ચર્ય થાય છે અને એ દર્શકોને પણ મહેસૂસ થાય છે. ચિત્રાંગદાનું પાત્ર લિમિટેડ છે અને તેણે બૉબને હંમેશાં પૉઝિટિવ દેખાડવમાં ઘણી મહેનત કરી છે. તેની દીકરીનું પાત્ર પણ સારું છે, પરંતુ બાળકના પાત્રને જોઈએ એટલી સ્પેસ નથી મળી. પૂરબ કોહલી પણ ડ્રગ્સ-ડીલરના રોલમાં બંધ બેસે છે અને તેણે પણ લિમિટેડ સ્પેસમાં ખૂબ સારી છાપ છોડી છે. આસામી ઍક્ટર પ્રબિત્ર રાભાએ ધોનુનું પાત્ર ભજવ્યું છે. તે પણ એક સરપ્રાઇઝ પૅકેજ છે.
મ્યુઝિક
ફિલ્મનાં ગીત સ્ટોરીને આગળ વધવામાં ખૂબ મદદ કરે છે તેમ જ સ્ટોરીમાં જ્યાં-જ્યાં ટ્વિસ્ટ આવવાનો હોય ત્યાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સોને પે સુહાગાનું કામ કરે છે. ફિલ્મમાં થ્રિલ લાવવામાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો ખૂબ મોટો હાથ છે.
આખરી સલામ
ડિજિટલ માધ્યમ પર રિલીઝ થયેલી મોટા ભાગની ફિલ્મો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને કરણ જોહરના પ્રોડક્શન-હાઉસમાં બનેલા મોટા ભાગના પ્રોજેક્ટે કોઈ ખાસ નથી રહ્યા. એવી પણ એક માન્યતા છે કે જે ફિલ્મો થિયેટર્સમાં પિટાઈ જાય એવો ડર હોય એને મેકર્સ ઑનલાઇન રિલીઝ કરી દે છે. જોકે ‘બૉબ વિશ્વાસ’ એમાંની નથી. આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાની જરૂર હતી.

entertainment news bollywood bollywood news movie review film review harsh desai abhishek bachchan chitrangada singh purab kohli