07 April, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવૉર્ડ સ્વીકારતી વખતે બૉબી ખૂબ જ ભાવુક થઈ ગયો હતો
તાજેતરમાં સ્ક્રીન અવૉર્ડ્સ ફંક્શનમાં ધર્મેન્દ્રને મરણોત્તર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પિતા વતી આ અવૉર્ડ લેવા જ્યારે બૉબી દેઓલ મંચ પર પહોંચ્યો હતો ત્યારે તે પોતાનાં આંસુ રોકી શક્યો નહોતો. આ અવૉર્ડ સ્વીકારવા માટેની સ્પીચ આપતી વખતે બૉબી ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે ધર્મેન્દ્રના યોગદાન અને સોશ્યલ મીડિયા પ્રત્યેના તેમના છેલ્લા દિવસોના લગાવને યાદ કર્યા હતા.
આ અવૉર્ડ સ્વીકારતી વખતે બૉબીએ સ્પીચમાં કહ્યું, ‘મને તમારા બધાની આંખોમાં મારા પપ્પા માટે જે પ્રેમ દેખાય છે એ જ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. મને હજી પણ એવું લાગે છે કે હું ઘરે જઈશ અને તેમને કહીશ કે મેં આ પુરસ્કાર તેમના માટે જીત્યો છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે ભગવાને મને તેમનો દીકરો બનાવ્યો. મારા પપ્પાએ તમને બધાને વ્યક્તિગત રીતે જાણ્યા વિના જ તેમના કામ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા તમારાં બધાનાં દિલને સ્પર્શ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવી એ તેમનો નવો શોખ બની ગયો હતો. તેઓ હંમેશાં ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિ ખુશ રહે. તેઓ માનતા હતા કે જો આપણે આપણી પ્રતિભા પર વિશ્વાસ કરીએ તો જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.’