16 April, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્રના નિધન પછી બૉબી દેઓલ સાવકી બહેનો એશા દેઓલ અને આહના દેઓલની વધુ નજીક આવ્યો છે
બૉબી દેઓલ પોતાના પિતા અને ઍક્ટર ધર્મેન્દ્રના અવસાન પછી ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંજોગોમાં તેણે ખૂલીને સ્વીકાર્યું કે કેટલાક દિવસો એવા આવે છે જ્યારે તેને લાગે છે કે તેણે પિતાની સાથે વધુ સમય પસાર કરવો જોઈતો હતો. આ સાથે જ તેણે જણાવ્યું કે ધર્મેન્દ્રના નિધન પછી તે સાવકી બહેનો એશા દેઓલ અને આહના દેઓલની વધુ નજીક આવ્યો છે.
પપ્પાને ગુમાવ્યા બાદ પોતે અનુભવેલી દુઃખની લાગણી વિશે વાત કરતાં બૉબીએ કહ્યું હતું કે ‘હવે સમજાયું છે કે જીવનમાં પરિવાર સાથેનો સમય કેટલો મહત્ત્વનો છે. બૉક્સ-ઑફિસ, રિવ્યુઝ અને ફિલ્મી ભૂમિકાઓ અંતે એટલી મહત્ત્વની નથી જેટલો ખાસ પોતાના પ્રિયજનો સાથે વિતાવેલો સમય છે. આજે પણ હું મારા પિતાના વિડિયો જોતો રહું છું અને ઘણી વખત એવું લાગે છે કે હું મારા પિતા સાથે સીધી વાત કરી રહ્યો છું. આ દુઃખના સમયમાં પરિવાર વધુ નજીક આવ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે દુઃખનો સામનો કરે છે અને ક્યારેક ગેરસમજ પણ થાય છે, પરંતુ સમય સાથે બધું બરાબર થઈ જાય છે. પિતાને ગુમાવ્યા પછી હું એશા અને આહનાની વધારે નજીક આવ્યો છું.’