હિન્દુઓ જાગી જાઓ, મૌન તમને નહીં બચાવે- બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે બૉલીવુડવાળા બોલ્યા

27 December, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે જાહ્‌નવી કપૂર બોલી એ પછી બીજા બૉલીવુડવાળા પણ બોલવા માંડ્યા

કાજલ અગરવાલ અને તેની પોસ્ટ

હાલમાં બંગલાદેશમાં પરિસ્થિતિ અત્યંત તનાવપૂર્ણ બની ગઈ છે. ત્યાં હિન્દુ દીપુ ચન્દ્ર દાસના મૉબ-લિન્ચિંગ વિશે તથા હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે ગુરુવારે જાહ્‌નવી કપૂરે અવાજ ઉઠાવ્યો એ પછી બૉલીવુડમાં સળવળાટ થયો છે અને બીજા લોકો પણ બોલવા માંડ્યા છે. ગઈ કાલે કાજલ અગરવાલ, રૂપાલી ગાંગુલી, જયા પ્રદા અને મનોજ જોશી જેવા સ્ટાર્સે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને બંગલાદેશમાં અલ્પસંખ્યકો વિશે વધતી ચિંતાઓ સામે હિન્દુઓએ એકજુટ થવાની અપીલ કરી છે.

કાજલ અગરવાલની અપીલ

સાઉથ અને બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કાજલ અગરવાલે આ વિવાદ પછી હિન્દુઓના હિતમાં એક પોસ્ટ શૅર કરી છે. કાજલે ‘ઑલ આઇઝ ઑન બંગલાદેશ હિન્દુઝ’ હેડિંગ સાથે એક પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટરમાં એક વ્યક્તિને આગ લગાવીને વૃક્ષ સાથે લટકાવવામાં આવ્યો હોય એવું દર્શાવવામાં આવ્યું છે જે દીપુ ચન્દ્ર દાસની લિન્ચિંગની ઘટના તરફ ઇશારો કરે છે. આ પોસ્ટર પર લખેલું છે કે ‘જાગો હિન્દુઓ, ચુપકીદી તમને બચાવવાની નથી.’

કોઈ બોલતું કેમ નથી? : રૂપાલી ગાંગુલી

ટીવી-ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં બંગલાદેશમાં લઘુમતીઓની સુરક્ષા પર સવાલ કરતાં કહ્યું હતું કે ‘હિન્દુઓ પરના અત્યાચાર પર લોકો શા માટે બોલતા નથી? જો તમે પેલેસ્ટીન અને અન્ય દેશો માટે બોલી શકો છો, તો બંગલાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ એવો જ અવાજ કેમ નથી ઉઠાવતા? મને સમજ નથી પડતી કે કોઈ શા માટે નથી બોલતું. પહેલાં દીપુ ચન્દ્ર દાસ અને હવે નવી ઘટના બની છે. આ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આપણે અગાઉ પણ આવા વિડિયો જોયા છે. મને નથી ખબર કે અવાજ કેમ નથી ઊઠી રહ્યા. હવે સમય છે કે આપણે પોતાના લોકો માટે ઊભા રહીએ. હિન્દુઓએ હિન્દુઓ માટે ઊભા રહેવું જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ.’

જયા પ્રદા શોકમાં

ઍક્ટ્રેસ અને પૂર્વ સંસદસભ્ય જયાપ્રદાએ દીપુ ચન્દ્ર દાસની નિર્મમ હત્યા વિશે એક વિડિયો જાહેર કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, ‘આજે હું ખૂબ દુખી છું. મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું છે. એ વિચારીને કે કોઈ વ્યક્તિ સાથે આવી નિર્દયતા કેવી રીતે થઈ શકે? બંગલાદેશમાં એક નિર્દોષ હિન્દુ દીપુ ચન્દ્ર દાસને ભીડે માર મારીને મારી નાખ્યો એટલું જ નહીં, તેને વૃક્ષ સાથે બાંધીને તેને આગ પણ લગાવી દીધી. શું આ જ નવું બંગલાદેશ છે? આ સામાન્ય હિંસા નથી, આ ભીડ દ્વારા કરવામાં આવેલું મૉબ-લિન્ચિંગ છે, આ હિન્દુ ધર્મ પર હુમલો છે. આપણાં મંદિરો તોડી નાખવામાં આવી રહ્યાં છે, મહિલાઓ પર હુમલાઓ થઈ રહ્યા છે. આપણે કેટલા સમય સુધી ચૂપ રહીશું? આપણે ધર્મનિરપેક્ષતાના નામે મૌન છીએ પરંતુ હવે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. ત્યાંના લોકોની મદદ કરવી જોઈએ. આપણે બધાએ મળીને તેમના માટે ન્યાયની માગણી કરવી જોઈએ.’

સમય જવાબ આપશે : મનોજ જોશી

ઍક્ટર મનોજ જોશી પણ બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાઓથી આઘાતમાં છે. હાલમાં વાતચીત દરમ્યાન તેમણે ક્હ્યું કે ‘જ્યારે ગાઝા કે પૅલેસ્ટીનમાં કંઈ બને છે ત્યારે બધા લોકો બહાર આવી જાય છે પરંતુ જ્યારે બંગલાદેશમાં કોઈ નિર્દોષ હિન્દુની હત્યા થાય છે ત્યારે કોઈ કંઈ બોલતું નથી. આ ખૂબ જ દુઃખદ બાબત છે, પરંતુ મને લાગે છે કે સમય જ એનો સાચો જવાબ આપશે.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news manoj joshi janhvi kapoor rupali ganguly kajal aggarwal bangladesh jaya prada