‘બોર્ડર 2’માટે FWICEએ દિલજીત દોસાંઝ પરનો પ્રતિબંધ હટાવ્યો, ફક્ત આ શરતે આપી મંજૂરી

04 July, 2025 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Border 2: ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમા એમ્પ્લોયીઝએ ફિલ્મના નિર્માતાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને માત્ર આ ફિલ્મ માટે પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ પરનો પ્રતિબંધ હટાવ્યો

દિલજીત દોસાંઝની ફાઇલ તસવીર

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) આજકાલ તેની ફિલ્મો ‘સરદાર જી 3’ (Sardaar Ji 3) અને ‘બોર્ડર 2’ (Border 2) માટે સમાચારમાં છે. ભારતમાં લોકોએ દિલજીતની ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાન (Pakistan)ની અભિનેત્રી હાનિયા આમિર (Hania Aamir)ની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી, જેપી દત્તા (J. P. Dutta)ની ફિલ્મ ‘બોર્ડર 2’માંથી દિલજીતને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમા એમ્પ્લોયીઝ (Federation of Western India Cinema Employees - FWICE)એ ‘બોર્ડર 2’ના નિર્માતાઓને પત્ર લખીને દિલજીતને ફિલ્મમાંથી દૂર કરવાની માંગ કરી હતી. જો કે, હવે FWICEના પ્રમુખ કહે છે કે ‘બોર્ડર 2’ માટે દિલજીત પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

દિલજીત દોસાંઝ તેની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’ માટે છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, તેની ફિલ્મ ‘સરદાર જી 3’ રિલીઝ થઈ તેમાં પાકિસ્તાની કનેક્શનને કારણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમા એમ્પ્લોયીઝ (FWICE)એ ‘બોર્ડર 2’માં તેની કાસ્ટિંગ સામે વિરોધ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, FWICEએ દિલજીત દોસાંઝ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને બોર્ડર 2 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ગઈકાલે અભિનેતાએ ફિલ્મના સેટ પરથી તેનો વીડિયો શેર કર્યો અને બધી અફવાઓને ફગાવી દીધી. આ દરમિયાન, FWICEનું નવીનતમ નિવેદન બહાર આવ્યું છે જેમાં એવું બહાર આવ્યું છે કે, ફેડરેશન દ્વારા ફક્ત ‘બોર્ડર 2’ માટે દિલજીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.

‘સરદાર જી 3’માં હાનિયા આમિરની ભૂમિકા બાદ ગુસ્સે ભરાયેલા FWICEએ દિલજીત દોસાંઝ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ‘બોર્ડર 2’ના નિર્માતા ભૂષણ કુમાર (Bhushan Kumar)એ વ્યક્તિગત રીતે ફેડરેશનને દિલજીતને ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા, FWICEના પ્રમુખ બીએન તિવારીએ કહ્યું કે, ભૂષણ કુમારે વ્યક્તિગત રીતે ફેડરેશનને અપીલ કરી હતી કે દિલજીતને ‘બોર્ડર 2’ માટે શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવે. આ પછી આ પ્રોજેક્ટ માટે દિલજીત પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

ભૂષણ કુમારે FWICEને વચન આપ્યું છે કે તેઓ ફક્ત ‘બોર્ડર 2’માં દિલજીતને કામ કરવા દેશે અને તે પછી તેઓ તેને બીજી કોઈ ફિલ્મમાં નહીં લે. દિલજીત આ શરત સાથે સંમત થયા છે. બીજી તરફ, FWICEના સભ્ય અશોક પંડિત (Ashoke Pandit)એ પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ પછી થયેલા કોઈપણ નુકસાન માટે ફેડરેશન જવાબદાર રહેશે નહીં.

FWICEના વિરોધ પછી, દિલજીત દોસાંજને ‘બોર્ડર 2’માંથી દૂર કરવામાં આવ્યો. જોકે, દિલજીતે આ અફવાઓને શાંત કરવા માટે એક વિડિઓ પોસ્ટ કર્યો. આ વિડિઓ ‘બોર્ડર 2’ના સેટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિઓમાં, દિલજીત તેની વૅનિટી વૅનમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. તે સેટ પર બધાને મળતો અને સ્ક્રિપ્ટ વાંચતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ દિલજીત દોસાંઝ ‘બોર્ડર 2’માં એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. અનુરાગ સિંહ (Anurag Singh) દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલ (Sunny Deol), વરુણ ધવન (Varun Dhawan) અને સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty) પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

diljit dosanjh upcoming movie border federation of western india cinema employees fwice entertainment news bollywood bollywood news