16 January, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હમ પૂજા રામ કી કરતે હૈં, તેવર પરશુરામ કે રખતે હૈં
૨૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી ‘બૉર્ડર 2’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ઍક્શન, વૉર-સીન અને VFX જોરદાર દેખાય છે. ફિલ્મના ટ્રેલરમાં વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટીની ઝલક જોવા મળે છે, પરંતુ સમગ્ર ટ્રેલર પર સની દેઓલ છવાઈ ગયો છે. આ ટ્રેલરમાં સની દેઓલની ઍક્શન અને વન-લાઇનર્સ પર ફોકસ કરવામાં આવ્યું છે અને એને કારણે આખું ટ્રેલર જોશથી ભરાઈ ગયું છે. દરેક સીનમાં ઊર્જા ભરી દે છે જેમ પહેલી ‘બૉર્ડર’ ફિલ્મમાં જોવા મળ્યું હતું. ટ્રેલરમાં વરુણ ધવનના ‘હમ પૂજા રામ કી કરતે હૈં, તેવર પરશુરામ કે રખતે હૈં’ જેવા સંવાદ પણ ફૅન્સનું દિલ જીતી રહ્યા છે.
હાલમાં ‘બૉર્ડર 2’ના પ્રમોશન માટે સની દેઓલ અને ફિલ્મની ટીમ કર્ણાટકના કારવાર નેવલ બેઝ પર પહોંચી હતી. અહીં ટીમે ભારતીય નૌસેનાના જવાનોને સન્માન આપ્યું હતું અને નૌકાદળની શાન INS વિક્રાન્ત પાસે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમ્યાન સની દેઓલે નૌસેનાના અધિકારીઓ સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ તસવીર સાથે સનીએ કૅપ્શન લખી, ‘હિન્દુસ્તાન મારી જાન! મારી આન! મારી શાન! હિન્દુસ્તાન. ગર્વ, સન્માન અને વીરતા.’
સનીની આ દેશભક્તિભરી પોસ્ટ તેના ફૅન્સને બહુ પસંદ પડી છે.