12 May, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન
ભારતીય સેનાના શૌર્યની ઝાંખી આપતી ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બૉર્ડર’નો સમાવેશ સની દેઓલની શ્રેષ્ઠ ફિલ્મોમાં કરી શકાય. હાલમાં એની સીક્વલ ‘બૉર્ડર 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં વરુણ ધવનનો પણ મહત્ત્વનો રોલ છે. અત્યાર સુધી નિર્માતાઓએ તેમના પાત્ર વિશે ખુલાસો કર્યો નહોતો પણ હવે તેના રોલની વિગતો સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે વરુણ ‘બૉર્ડર 2’માં ૧૯૭૧ના વૉર-હીરો હોશિયાર સિંહ દહિયાનું પાત્ર નિભાવશે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ હોશિયાર સિંહને કર્નલનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેમની વીરતા માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં વરુણ ધવને બે મહિના સુધી પોતાના પાત્ર માટે તૈયારી કરી હતી. આ દરમ્યાન તેણે ભારતીય સેનાના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી. વરુણના પાત્રની વાર્તા હરિયાણાના ગામડામાંથી શરૂ થઈને સેનામાં જોડાવાની અને ૧૯૭૧ના કારગિલ યુદ્ધમાં તેમની ભાગીદારી સુધીની સફર દર્શાવશે. આ પાત્રને ઉત્કૃષ્ટ રીતે નિભાવવા માટે વરુણે ફિટનેસ પર પણ ખૂબ મહેનત કરી છે.
‘બૉર્ડર 2’માં સની દેઓલ ૧૯૯૭ની ક્લાસિક ફિલ્મ ‘બૉર્ડર’ની પોતાની ભૂમિકાને ફરીથી નિભાવશે. આ સીક્વલમાં દિલજિત દોસાંઝ વાયુસેના અધિકારીના રોલમાં જોવા મળશે, જ્યારે અહાન શેટ્ટી નૌસેના-કમાન્ડરની ભૂમિકામાં દેખાશે.