વર્ષો બાદ ડેઇઝી શાહનો ખુલાસો: `સાઉથના ફિલ્મમેકરે મને ખરાબ રીતે સ્પર્શ…`

16 April, 2026 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Daisy Shah on Casting Couch: અભિનેત્રી ડેઇઝી શાહે કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે વાત કરી; સાઉથના ફિલ્મમેકરે કરેલા ખરાબ સ્પર્શની ડેઝીના મન પર થઈ હતી ઊંડી અસર; કારકિર્દીની શરુઆતના દિવસોમાં બનેલી ઘટનાને યાદ કરી ભાવુક થઈ ડેઇઝી શાહ

ડેઇઝી શાહ

સલમાન ખાન (Salman Khan) સ્ટારર ફિલ્મ ‘જય હો’ (Jai Ho) દ્વારા લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ડેઇઝી શાહ (Daisy Shah)એ તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગના તેના શરૂઆતના દિવસોનો એક ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કારકિર્દીની શરુઆતમાં તેને થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવની વાત કરી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક નિર્માતા સાથે બનેલી એક ઘટનાને ડેઇઝી શાહે યાદ કરી હતી, જેના કારણે તે ભારે અસહજતા અનુભવી રહી હતી. તેણે જણાવ્યું કે, કેવી રીતે તે સમયે તેને એક ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં ફિલ્મમેકરે અશોભનીય વર્તન કર્યું હતું અને તેને ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી ડેઇઝી શાહે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોની એક અસહજ ઘટના (Daisy Shah on Casting Couch) વિશે ખુલીને વાત કરી છે. એફપીજેને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે યાદ કર્યું કે કેવી રીતે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક નિર્માતા સાથે કાસ્ટિંગ મીટિંગ દરમિયાન તેને હેરાનગતિનો અનુભવ થયો હતો. આ ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે આ ઘટના મુંબઈમાં બની હતી જ્યારે એક ફિલ્મ નિર્માતા ઓડિશન લેવા માટે શહેરમાં આવ્યા હતા.

ડેઇઝી શાહે જણાવ્યો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

ડેઇઝી શાહે તેની કારકિર્દીના શરુઆતના દિવસોની વાત જણાવ્યું કે, સાઉથના ફિલ્મમેકરને મળવા અને કાસ્ટિંગની તકો માટે ઘણી આશાસ્પદ અભિનેત્રીઓ એકઠી થઈ હતી ત્યારે તેની સાથે આ બનાવ બન્યો હતો.

ડેઇઝી શાહે જણાવ્યું હતું કે, ‘દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક ફિલ્મ નિર્માતાએ મારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું. તેઓ કાસ્ટિંગ માટે મુંબઈ આવ્યા હતા અને અમે ૬-૭ છોકરીઓ તેમને મળવા ગઈ હતી. તેઓ અમને દરેકને વ્યક્તિગત રીતે મળી રહ્યા હતા. પરંતુ મને તેમનું વર્તન ગમ્યું નહીં કારણ કે તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને તેઓ મારો હાથ પકડી રહ્યા હતા.’

અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘લોકો મને સ્પર્શ કરે તે બાબતે હું હંમેશા ખૂબ જ સાવધ રહું છું. હું મસાજ પણ કરાવતી નથી તેનું કારણ એ જ છે કે મને કોઈનો સ્પર્શ ગમતો નથી, પછી ભલે તે કોઈ સ્ત્રી જ કેમ ન હોય! તો પુરુષનો સ્પર્શ તો એક અલગ જ વિષય છે. આ ઘટનાથી હું ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. મેં તેમને કહ્યું કે “હું તમારો સંપર્ક કરીશ” પરંતુ ત્યારબાદ મેં ક્યારેય તેમનો સંપર્ક કર્યો નહોતો.’

ડેઇઝીએ ઉમેર્યું હતું કે આ અનુભવે તેના મન પર કાયમી અસર છોડી હતી અને તેને વ્યક્તિગત સુરક્ષા વિશે એક મહત્વનો પાઠ પણ શીખવ્યો હતો. આ ઘટનામાંથી તેને શું શીખવા મળ્યું તે વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, ‘આ ઘટનાએ મને શીખવ્યું કે તમારે ક્યારેય કોઈને પણ એકલા મળવા જવું જોઈએ નહીં.’ આ કડવા અનુભવ બાદ તે પોતાની સુરક્ષાને લઈને વધુ સતર્ક બની ગઈ હતી.

સલમાન ખાને જ બનાવ્યું છે ડેઇઝી શાહનું કરિઅર?

આ જ ઇન્ટરવ્યુ દરમિયાન, ડેઇઝીએ એ તેની કારકિર્દી માત્ર સલમાન ખાનને કારણે જ ટકી રહી છે તે બાબતનો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે આ પ્રકારની ધારણાઓ ઘણીવાર તેની પોતાની મહેનત પર પાણી ફેરવી દે છે અને તેને ગૌણ બનાવી દે છે. તેના મતે, લોકોની આ માન્યતા તેના સંઘર્ષ અને કામ પ્રત્યેના સમર્પણને નજરઅંદાજ કરે છે.

ડેઇઝી શાહની ફિલ્મી કારકિર્દીની પર નજર

ડેઇઝી શાહે અભિનય ક્ષેત્રે પ્રવેશતા પહેલા ફિલ્મ ઉદ્યોગમાં એક ડાન્સર અને આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સલમાન ખાનની સામે ફિલ્મ `જય હો` દ્વારા ડેબ્યૂ કર્યા બાદ તેને વિશેષ ઓળખ મળી હતી અને ત્યારબાદ તે `હેટ સ્ટોરી 3` અને `રેસ 3` જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. બોલિવૂડની વ્યાવસાયિક ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતી ડેઇઝીએ ફિલ્મો અને અન્ય માધ્યમોમાં વિવિધ તકો શોધવાની સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા હાજરી જાળવી રાખી છે.

daisy shah sexual crime entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz