સ્પિરિટના નફામાં ૧૦ ટકા હિસ્સો માગ્યો એટલે દીપિકા પાદુકોણના હાથમાંથી નીકળી ગઈ ફિલ્મ

22 August, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના મેકર્સે આરોપ મૂક્યો કે ડીલ શક્ય ન બની એટલે ઍક્ટ્રેસે વાર્તા લીક કરી દીધી

દીપિકા પાદુકોણ અને પ્રણય રેડ્ડી વાંગા

સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણ બહાર થઈ એ મામલો શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. શરૂઆતમાં એવી વાત સામે આવી હતી કે દીપિકા ફિલ્મ માટે માત્ર ૮ કલાક કામ કરવા માગતી હતી, પણ મેકર્સ તૈયાર ન થતાં વાત બગડી ગઈ હતી. હવે ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ એવો દાવો કર્યો છે જેના કારણે સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે.
પ્રણય રેડ્ડીનું કહેવું છે કે દીપિકા સાથે લગભગ દોઢ વર્ષ સુધી વાતચીત ચાલી હતી, પણ તેણે ફી ઉપરાંત ફિલ્મના કુલ નફામાંથી ૧૦ ટકા હિસ્સાની માગણી કરી હતી જે ફિલ્મના બજેટને જોતાં શક્ય નહોતું. આ ડિમાન્ડ વિશે વાત કરતાં પ્રણય રેડ્ડીએ કહ્યું હતું કે ‘દીપિકા ફિલ્મના નફામાંથી ૧૦ ટકા હિસ્સો માગી રહી હતી. ત્યાર બાદ વાત હાથમાંથી નીકળી ગઈ. તે કંઈ પણ માગી શકે છે. જો અમે આપવા માટે તૈયાર હોઈએ તો આપી શકીએ છીએ, પણ ફિલ્મનું બજેટ પણ એટલું હોવું જોઇએ. અમને લાગ્યું કે આ વાત બની રહી નથી. તેથી અમે બીજા વિકલ્પો વિશે વિચાર્યું. અમે બીજા વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું એટલે તેણે બધું લીક કરવાનું શરૂ કરી દીધું. અમે તેની સાથે વાર્તા અને પાત્ર વિશે વાત કરી હતી. જે વાતો આંતરિક રીતે ચર્ચાતી હોય એ બહાર ન આવવી જોઈએ, પણ તેણે એ બધું લીક કરી દીધું.’

deepika padukone upcoming movie indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood