દીપિકા પાદુકોણે કર્યો સવાલ: ઑસ્કર માટે ભારતીય ફિલ્મોને કેમ નકારવામાં આવે છે?

25 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Deepika Padukone on Oscar Awards: જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્મોની હાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઑસ્કરના રેસમાંથી બહાર થઇ છે. તેણે કહ્યું કે ભારતીય સિનેમા સાથે અન્યાય થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણ (ફાઇલ તસવીર)

આ વર્ષે કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ભારત તરફથી ઑસ્કર માટે ઑફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, પરંતુ ફિલ્મ ઑસ્કર એવૉર્ડ જીતવામાં અસફળ રહી હતી. આ પહેલો પ્રસંગ નથી જ્યારે કોઈ ભારતીય ફિલ્મ ઑસ્કર સુધી પહોંચી હોવા છતાં જીત મેળવી શકી નથી. તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્મોની હાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઑસ્કરના રેસમાંથી બહાર થઈ છે. દીપિકા પાદુકોણે કહ્યું કે ભારતીય સિનેમા અને ભારતીય પ્રતિભાઓ સાથે વારંવાર આ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે. ભારતની ફિલ્મો અને ટેલેન્ટને ઘણીવાર નકારવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ છે.

દીપિકા પાદુકોણે ઑસ્કર વિજેતા એક્ટર અંગે શું કહ્યું?
રવિવારની સાંજે, દીપિકા પાદુકોણે પેરિસમાં લુઈ વિત્તોં શો માટે તૈયાર થતી વખતે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે ઑસ્કર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને 2023ના ઑસ્કર સેરેમનીમાં ‘RRR’ ના ‘નાટુ નાટુ’ ગીતની ઐતિહાસિક જીતને યાદ કરી. વીડિયોમાં દીપિકાએ કહ્યું કે આ વર્ષની ઑસ્કર વિજેતાઓમાં એક એવી વ્યક્તિ છે, જેની જીતથી તેને ખૂબ જ આનંદ થયો હતો. તે છે એડ્રિયન બ્રોડી, જેણે ‘The Brutalist’ માં પોતાના અદભૂત અભિનયથી લોકોનું દિલ જીતી બેસ્ટ એક્ટરનું એવૉર્ડ જીત્યું હતું.