13 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ (ફાઇલ તસવીર)
દીપિકા પાદુકોણ ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે, જેણે સતત હિટ ફિલ્મો આપી બોક્સ ઑફિસની ક્વીનનો ખિતાબ જીત્યો છે. તે ₹10,000 કરોડ ક્લબમાં સ્થાન મેળવનારી અભિનેત્રી બની છે અને તેની ફિલ્મોની વૈશ્વિક કમાણીના કારણે તે ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બની છે. તેણે પોતાના કરિયર દરમિયાન અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે અને દુનિયાભરમાં તેની ફૅન ફોલોઇંગ ખૂબ જ મોટી છે.
દીપિકા પાદુકોણ એ એવી અભિનેત્રી છે જેણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઊંચું કર્યું છે. તે લુઈ વિત્તોં અને કાર્ટિયર જેવી આંતરરાષ્ટ્રીય લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ સાથે કામ કરનાર પહેલી ભારતીય અભિનેત્રી બની છે, જેના કારણે ભારતીય સેલિબ્રિટીઝ માટે વૈશ્વિક બ્રાન્ડિંગના નવા રસ્તા ખૂલ્યા છે. તાજેતરમાં જ તે પૅરિસ ફેશન વીકમાં લુઈ વિત્તોંના ફૉલ 2025 શોમાં હાજર રહી હતી અને પછી ભારતીય ડિઝાઇનર સબ્યસાચીના 25મા વર્ષગાંઠના શોમાં રેમ્પ વૉક કરીને ભારતનું નામ વધુ એકવાર રોશન કર્યું.
દીપિકા પાદુકોણે તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે પોતાની દીકરી `દુઆ`ના જન્મ પછી પહેલીવાર સબ્યસાચી માટે રેમ્પ વૉક કર્યું. આ ક્ષણ તેના ફૅન્સ માટે ખૂબ જ ખાસ રહી, કારણ કે લાંબા સમયથી દીપિકા પાદુકોણ બિગ સ્ક્રીનથી દૂર હતી. આ ખાસ અવસર પર પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેમણે દીપિકા પાદુકોણને પોતાના શો માટે શા માટે પસંદ કરી? સબ્યસાચીનું માનવું છે કે દીપિકા વૈશ્વિક આકર્ષણનો પર્યાય છે. સબ્યસાચીએ વધુમાં જણાવ્યું કે, "મારા શોમાં મેં ક્યારેય બૉલિવૂડ સ્ટાર્સનો ઉપયોગ કર્યો નથી. દીપિકા એ એકમાત્ર સ્ટાર છે. મેં તેને સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યારે હું 25મી ઍનિવર્સરી માટે શો કરી રહ્યો છું, ત્યારે કદાચ આ પહેલી અને છેલ્લીવાર હશે જ્યારે હું મારા શોમાં કોઈ બૉલિવૂડ સ્ટારને સામેલ કરીશ. તે માટેનો કારણ એ છે કે આ ક્ષણ ખૂબ જ ખાસ છે."
સબ્યસાચી અને દીપિકા પાદુકોણનો વ્યાવસાયિક અને વ્યક્તિગત સંબંધ વર્ષોથી ખૂબ ગાઢ રહ્યો છે. સબ્યસાચીનું કહેવું છે કે દીપિકા પાદુકોણ એવા ઘણા પાસાઓમાં `બ્રાન્ડ ઇન્ડિયા`નું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દીપિકા પાદુકોણે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વૈશ્વિક આકર્ષણથી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. દીપિકા પાદુકોણની લોકપ્રિયતા તેને આજની તારીખે એક વૈશ્વિક આઇકોન બનાવી ચૂકી છે. દીકરીના જન્મ પછી પણ તે ભવ્ય અંદાજમાં કમબેક કરીને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. નક્કી કહી શકાય કે દીપિકા પાદુકોણની આ ભવ્ય વાપસી દર્શકો માટે પ્રેરણારૂપ બની છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તેના પુનરાગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, અને તે ફરી એકવાર પોતાના કરિશ્માથી બધાના દિલ પર રાજ કરી રહી છે.