14 May, 2025 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
મમ્મી બન્યા બાદ દીપિકા પાદુકોણ કમબૅક કરી રહી છે. બેબી દુઆના જન્મ બાદ તેણે પોતાની પ્રથમ ફિલ્મ સાઇન કરી છે અને એ ફિલ્મ છે ‘સ્પિરિટ’. આ ફિલ્મમાં દીપિકા અને પ્રભાસની જોડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકાને આ ફિલ્મ માટે તેની કરીઅરની સૌથી વધુ એટલે કે લગભગ ૨૦ કરોડ રૂપિયા જેટલી ફી મળી છે.
દીકરીના જન્મ બાદ અભિનયથી થોડા સમયના બ્રેક બાદ દીપિકાએ ‘સ્પિરિટ’ ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે દીપિકાને એટલી મોટી ફી મળી છે કે તે દેશની સૌથી વધુ ફી લેનારી ઍક્ટ્રેસમાંની એક બની છે.
શું છે ‘સ્પિરિટ’ની સ્ટોરી?
‘સ્પિરિટ’ ઍક્શન-ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન ‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’વાળા સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ ફિલ્મ ઇન્ટરનૅશનલ પોલીસ ઍક્શન ડ્રામા છે જેની વાર્તાના કેન્દ્રમાં એક પોલીસ અધિકારી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં પ્રભાસ દ્વારા ભજવવામાં આવેલું મુખ્ય પાત્ર એક મધ્યમ વર્ગનો નિષ્ઠાવાન અને કડક પોલીસ અધિકારી છે. તે પોતાના વ્યાવસાયિક જીવનમાં શિસ્તબદ્ધ અને ફરજ પ્રત્યે સમર્પિત છે, પરંતુ અંગત જીવનમાં પત્ની અને ચાર વર્ષના સંતાન સાથે જીવન જીવતો ફૅમિલી-મૅન છે. એ પછી એક મહત્ત્વપૂર્ણ મિશન તેના જીવનમાં નિર્ણાયક ફેરફાર લાવે છે અને આ ફેરફારની આસપાસ આખી ફિલ્મની વાર્તા ગૂંથાયેલી છે.