15 July, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તન્વી ધ ગ્રેટ’ વિશે વાત કરતાં રેખા ગુપ્તાએ કહ્યું, ‘ફિલ્મની થીમ ખૂબ જ સારી છે
હાલમાં અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૮ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં આ ફિલ્મ દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જોઈ હતી. દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ પણ આ ફિલ્મ જોઈ છે અને એની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ બાળકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ફિલ્મ જોઈને રેખા ગુપ્તાએ ઇચ્છા વ્યક્ત કરી છે કે આ ફિલ્મ દિલ્હી સરકાર દ્વારા બાળકોને બતાવવી જોઈએ.
‘તન્વી ધ ગ્રેટ’ વિશે વાત કરતાં રેખા ગુપ્તાએ કહ્યું, ‘ફિલ્મની થીમ ખૂબ જ સારી છે. આજે દેશનું અને વિશ્વનું દરેક બાળક આ ફિલ્મ જુએ એ જરૂરી છે. હું દિલ્હી સરકાર તરફથી જેટલાં બાળકોને આ ફિલ્મ બતાવી શકું તેટલાં બાળકોને એ બતાવવાનું પસંદ કરીશ. આ ફિલ્મ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી છે. આ ફિલ્મ બાળકોની લાગણીઓ સાથે જોડાય છે. હું અનુપમ ખેરને આ થીમ પર ફિલ્મ બનાવવા બદલ અભિનંદન આપું છું.’
ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’માં શુભાંગી દત્ત મુખ્ય ભૂમિકામાં છે જેણે આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં ઑટિઝમથી પીડાતી એક છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ કાન અને ન્યુ યૉર્કમાં થઈ ચૂક્યું છે અને નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં આ ફિલ્મને સ્ટૅન્ડિંગ-ઓવેશન મળ્યું છે.
શું છે તન્વી ધ ગ્રેટની સ્ટોરી?
ડિરેક્ટર અનુપમ ખેરની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ એ અનુપમ ખેર સ્ટુડિયો અને નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NFDC)ના સહયોગથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ સ્વર્ગસ્થ પિતાનું સપનું પૂરું કરવા માટે પ્રયત્નશીલ એવી ૨૧ વર્ષની ઑટિસ્ટિક યુવતી તન્વી રૈનાની પ્રેરણાદાયી સ્ટોરી છે.
આ ફિલ્મમાં તન્વી રૈના (શુભાંગી દત્ત) તેની માતા વિદ્યા (પલ્લવી જોશી) અને દાદા કર્નલ પ્રતાપ રૈના (અનુપમ ખેર) સાથે રહે છે. તેના સ્વર્ગસ્થ પિતા કૅપ્ટન સમર રૈના (કરણ ટૅકર) એક ભારતીય સેના-અધિકારી હતા. કૅપ્ટન સમર રૈનાનું સપનું હતું કે તે એક દિવસ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લૅશિયર પર ભારતીય ધ્વજને સલામી આપશે, પણ તેનું આ સપનું પૂરું થઈ શક્યું નહોતું. તન્વીને તેના પિતાના આ અધૂરા સપનાની જાણ થાય છે ત્યારે તે ઑટિઝમથી પીડાતી હોવા છતાં ભારતીય સેનામાં જોડાઈને પિતાનું મિશન પૂરું કરવાનો નિર્ણય લે છે. તન્વીના આ મિશનમાં મેજર શ્રીનિવાસન (અરવિંદ સ્વામી)નો સાથ મળે છે અને અંતે તે પોતાનું મિશન પૂરું કરે છે. ફિલ્મમાં ઑટિઝમની સમસ્યાને અક્ષમતા તરીકે નહીં પણ અલગ જ દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે.