દિલ્હી હાઈ કોર્ટ તરફથી જાહ‍્નવી કપૂરને રાહત

13 August, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ પરથી અશ્ળીલ અને AI દ્વારા સર્જિત કન્ટેન્ટ દૂર કરવાનો આદેશ, પરંતુ ફૅન-પેજિસ પર રોકનો ઇનકાર

જાહ્નવી કપૂર

દિલ્હી હાઈ કોર્ટે જાહ‍્નવી કપૂરની અરજી પર મહત્ત્વપૂર્ણ સુનાવણી કરતાં ઇન્ટરનેટ પરથી તેની વિરુદ્ધની અશ્ળીલ અને આપત્તિજનક સામગ્રી હટાવવાનો મધ્યવર્તી આદેશ આપ્યો છે. જોકે આ સાથે જ અદાલતે પર્સનાલિટી રાઇટ્સ (વ્યક્તિત્વના અધિકારો)ના નામે સમગ્ર ઇન્ટરનેટ પરથી તમામ પ્રકારનું કન્ટેન્ટ દૂર કરવાની વ્યાપક માગણીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે.
જાહ‍્નવી કપૂરે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને ૫૦૦૦થી વધુ વેબપેજિસ અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ અરજીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)  દ્વારા બનાવવામાં આવેલી આપત્તિજનક સામગ્રી, નકલી પ્રોફાઇલ, બોગસ બુકિંગ એજન્સીઓ અને અભિનેત્રીના નામે કમાણી કરતા ચૅટબૉટ્સ પર રોક લગાવવાની રજૂઆત કરવામાં આવી હતી.
જસ્ટિસ અનૂપ જયરામ ભંભાણીની બેન્ચે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોર્ટ માત્ર પ્રથમ દૃષ્ટિએ જ અશ્ળીલ લાગતા, કાયદા વિરુદ્ધના અને અભિનેત્રીની તસવીરોનો દુરુપયોગ કરીને વ્યાપારી લાભ ખાટતા કન્ટેન્ટને હટાવવાનો આદેશ આપવા તૈયાર છે. નામદાર અદાલતે જાહ‍્નવીના વકીલોને આવી તમામ આપત્તિજનક લિંક્સનું સુનિયોજિત તાલિકાબદ્ધ લિસ્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ ફૅન-પેજિસ અને સોશ્યલ મીડિયા પર થતી સમીક્ષાઓ કે ટિપ્પણીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અરજી સામે અદાલતે કડક વલણ અપનાવ્યું હતું. જસ્ટિસ ભંભાણીએ મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘અમે દેશના નૈતિક રક્ષક નથી. ફૅન-પેજિસ તમારી પ્રશંસા પણ કરી શકે અને ટીકા પણ કરી શકે. સાર્વજનિક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિએ આ બધું સ્વીકારવું પડે. જો તમામ ફૅન-ક્લબ બંધ કરી દેવાશે તો ડિજિટલ યુગમાં તમારે ગુફામાં રહેવાનો વારો આવશે.’

janhvi kapoor delhi high court entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood