02 June, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવનની ફાઇલ તસવીર
દિલ્હી હાઈ કોર્ટે વરુણ ધવનને મોટી રાહત આપતાં તેના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે વરુણ ધવનને તેની મહિલા સહ-કલાકારો સાથે ખોટાં અને ભ્રામક દૃશ્યોમાં દર્શાવતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવાયેલી અનેક ડીપફેક સામગ્રી તેમ જ તેના નામનો ગેરકાયદે ઉપયોગ કરીને વસ્તુઓ વેચતાં ઈ-કૉમર્સ લિસ્ટિંગ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું કે વરુણ ધવનને AIથી બનાવવામાં આવેલી ખોટાં અને ભ્રામક દૃશ્યોમાં દર્શાવતી તસવીરો અને સામગ્રી સામે રક્ષણ મળવું જોઈએ, કારણ કે આવી સામગ્રી તેની જાહેર છબીને નુકસાન પહોંચાડી શકે છે અને લોકોને એવું માનવા પ્રેરિત કરી શકે છે કે દર્શાવવામાં આવેલી બાબતો સાચી છે.
આ મામલે કોર્ટે ગૂગલ, મેટા પ્લૅટફૉર્મ્સ અને ઍક્સ કોર્પોરેશનને આવાં ઉલ્લંઘન કરનારા સોશ્યલ મીડિયા યુઝર્સની મૂળ ગ્રાહક-માહિતી ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે સોશ્યલ મીડિયા યુઝર્સને પણ નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં જો કોઈ નવી ઉલ્લંઘનકારી સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો એને ૩૬ કલાકની અંદર દૂર કરવામાં આવે.