૧૦૦ કરોડ કમાયેલી મરાઠી ફિલ્મ દેઉળ બંદ 2નો નફો ખેડૂતોની આત્મહત્યાથી અનાથ થયા બાળકોના શિક્ષણ માટે દાન કરાયો

28 August, 2026 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠી ફિલ્મ ‘દેઉળ બંદ 2’એ ૧૦૦ કરોડથી વધુની કમાણી કર્યા બાદ પ્રોડક્શન-ખર્ચ સિવાયનો સમગ્ર નફો ખેડૂતોની આત્મહત્યાથી અનાથ બનેલાં બાળકોના શિક્ષણ માટે દાન કર્યો છે.

દેઉળ બંદ 2

મરાઠી ફિલ્મ ‘દેઉળ બંદ 2’એ બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. હવે ફિલ્મના ડિરેક્ટર પ્રવીણ તરડેએ ખુલાસો કર્યો છે કે નિર્માતાઓએ ફિલ્મનો પ્રોડક્શન-ખર્ચ કાઢ્યા બાદ થયેલો સમગ્ર નફો ખેડૂતોની આત્મહત્યાથી અનાથ બનેલાં બાળકોના શિક્ષણ માટે દાન કરી દીધો હતો. પ્રવીણ તરડેના પરિવારનો મહારાષ્ટ્રમાં ખેતી સાથે સીધો સંબંધ છે અને તેઓ પોતે પણ ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોની આત્મહત્યા જેવા ગંભીર સામાજિક મુદ્દા પર આધારિત ‘દેઉળ બંદ 2’નું નિર્માણ અંદાજે ૮થી ૧૦ કરોડ રૂપિયાના બજેટમાં થયું હતું. મર્યાદિત ખર્ચ છતાં ફિલ્મે જંગી કમાણી કરીને મરાઠી સિનેમામાં નવો ઇતિહાસ રચ્યો.
‘દેઉળ બંદ 2’ના મેકર્સના નિર્ણય વિશે વાત કરતાં પ્રવીણ તરડેએ કહ્યું હતું કે ‘આખા ભારતમાં ‘દેઉળ બંદ 2’ને અનોખી ફિલ્મ બનાવનાર વાત એ હતી કે ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી પણ અમે માત્ર અમારો પ્રોડક્શન-ખર્ચ જ રાખ્યો. ફિલ્મમાંથી મળેલો નફાનો દરેક રૂપિયો દાનમાં આપી દીધો. આ રકમનો ઉપયોગ એવા ખેડૂતોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવ્યો જેમણે આત્મહત્યા કરી હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને ફરી ભણતર શરૂ કરી શકે એ હેતુથી આર્થિક સહાય પહોંચાડવામાં આવી. ફિલ્મની કમાણીમાંથી મળેલાં નાણાં દ્વારા હાલમાં આશરે ૨૫૦ બાળકોને દરરોજ બે સમયનું ભોજન પણ આપવામાં આવે છે. આગામી વર્ષોમાં પણ આ સેવા ચાલુ રાખવાનો નિર્ધાર છે.’

entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood