ધનુષ તેના દીકરાઓ માટે સાવકી મા લાવવા નથી માગતો

21 January, 2026 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટારના નજીકના મિત્રોએ જણાવ્યું કે ઍક્ટર અને મૃણાલ ઠાકુર લગ્ન કરવાનાં હોવાની ચર્ચામાં તથ્ય નથી

ધનુષ તેના દીકરાઓ સાથે

છેલ્લા કેટલાક દિવસોથી સાઉથ સિનેમામાં સુપરસ્ટાર ધનુષ અને મૃણાલ ઠાકુરને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. લેટેસ્ટ ચર્ચા પ્રમાણે ધનુષ અને મૃણાલ વૅલેન્ટાઇન્સ ડે પર લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ મામલે અત્યાર સુધી ધનુષ અથવા મૃણાલની ટીમ તરફથી કોઈ સીધી પ્રતિક્રિયા આવી નથી. હવે ધનુષ અને મૃણાલના નજીકના મિત્રોના માધ્યમથી કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન તો દૂરની વાત છે, બન્ને સ્ટાર્સના ડેટિંગની ખબર પણ ખોટી છે.

જોકે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃણાલ પોતાની કરીઅર પર ધ્યાન આપવા માગે છે અને ધનુષનો ફરી લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. આ મામલે ધનુષના નજીકના એક મિત્રએ જણાવ્યું છે કે ‘ધનુષ બે મોટા દીકરાઓ યાત્રા અને લિંગાનો પિતા છે. તે પોતાની પિતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યો છે અને આ કારણે ફરી લગ્ન કરવામાં તેને રસ નથી. સૌ જાણે છે કે ધનુષ અને ઐશ્વર્યા અલગ થઈ ગયાં છે અને બન્ને મળીને યાત્રા અને લિંગાનું કો-પેરન્ટિંગ કરી રહ્યાં છે. તેમનું ફોકસ બાળકોને એક સ્થિર અને પ્રેમભર્યું વાતાવરણ આપવાનો રહ્યો છે. ધનુષ પોતાના અંગત જીવનમાં એવો કોઈ નિર્ણય લેવા માગતો નથી જે તેના દીકરાઓ પર અસર કરે. તે દીકરાઓ માટે સાવકી માતા લાવવા નથી માગતો અને શાંતિપૂર્વક ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા સાથે કો-પેરન્ટિંગ ચાલુ રાખવા ઇચ્છે છે.’

dhanush mrunal thakur relationships celebrity wedding entertainment news bollywood bollywood news bollywood gossips