27 November, 2025 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ધનુષ અને ક્રિતી સૅનનની ‘તેરે ઇશ્ક મેં’ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે એટલે એના પ્રમોશન માટે બન્ને કલાકારો મહાદેવની પવિત્ર નગરી કાશી એટલે કે વારાણસી પહોંચ્યાં હતાં. વારાણસી વિશેની પોતાની લાગણી વ્યક્ત કરતાં ધનુષે કહ્યું હતું કે ‘મારા માટે વારાણસી શહેર નથી, એક આધ્યાત્મિક અનુભવ છે. દરેક ગલી, દરેક ઘાટ અને દરેક મંદિરે મને અંદરથી સ્પર્શ કર્યો છે. આ શહેરે મને આત્મિક રીતે જાગ્રત કર્યો છે અને મહાદેવનાં ચરણોમાં સમર્પિત થવાની ભાવના જગાડી છે.’
ક્રિતી સૅનને પણ જણાવ્યું હતું કે મારી ઇચ્છા હતી કે ‘તેરે ઇશ્ક મેં’ની રિલીઝ પહેલાં અહીં આવીને આશીર્વાદ લેવા જોઈએ અને મને આનંદ છે કે મારી આ ઇચ્છા પૂરી થઈ.
‘તેરે ઇશ્ક મેં’ને એક પણ કટ વગર મળ્યું U/A સર્ટિફિકેટ
ધનુષ અને ક્રીતિ સૅનન અભિનીત ‘તેરે ઇશ્ક મેં’ને સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી એક પણ વિઝ્યુઅલ સીન કટ વગર U/A સર્ટિફિકેટ મળી ગયું છે. મળતી માહિતી પ્રમાણે માત્ર એક ડાયલૉગના એક શબ્દમાં ફેરફાર કર્યા પછી ફિલ્મને ક્લીન ચિટ મળી ગઈ છે. આ ફિલ્મ હિન્દીની સાથોસાથ તામિલ અને તેલુગુ ભાષામાં પણ ૨૮ નવેમ્બરે વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.