11 November, 2025 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફાઇલ તસવીર
ધર્મેન્દ્ર (Dharmendra) ના સ્વાસ્થ્ય અંગેના સમાચાર સતત ફેલાઈ રહ્યા છે. મીડિયામાં તેમના સ્વાસ્થ્ય (Dharemdra Death) અંગે અફવાઓ ફેલાઈ રહી છે, અને દેઓલ પરિવાર સોશ્યલ મીડિયા (Social Media) પર સતત નિવેદન શૅર કરી રહ્યો છે, જેમાં લોકોને અફવાઓ અને ખોટા સમાચાર ફેલાવવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. અત્યારે ધર્મેન્દ્રની પત્ની અને અભિનેત્રી હેમા માલિની (Hema Malini) એ ધર્મેન્દ્રની તબિયત અંગે મહત્વના સમાચાર આપ્યા અને મૃત્યુની બધી જ અફવાઓને રદિયો આપ્યો છે.
આજે સવારે, સની દેઓલ (Sunny Deol) ની ટીમે સૌપ્રથમ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કર્યું. ત્યારબાદ, એશા દેઓલ (Esha Deol) તેના પિતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું અને લોકોને ખોટી અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા વિનંતી કરી છે. હવે હેમા માલિનીએ પણ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય (Dharemdra Health Updates) અંગે અપડેટ આપ્યું છે અને અફવાઓ ફેલાવવા બદલ મીડિયાને ઠપકો આપ્યો છે.
પીઢ અભિનેત્રી હેમા માલિની તેમના પતિ અને અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારથી આઘાત પામી હતી. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા હેમા માલિનીએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
હેમા માલિનીએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (x) પર અપડેટ આપતા કહ્યું છે કે, ‘જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે! જવાબદાર ચેનલો એક માણસ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે જે સારવારનો પ્રતિભાવ આપી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે? આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાનો આદર કરો.’
૮૯ વર્ષીય અભિનેતા અને બોલિવૂડના `હી-મેન` તરીકે જાણીતા ધર્મેન્દ્રને મુંબઈ (Mumbai) ની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. ધમેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે, સમાચાર આવ્યા હતા કે ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. બાદમાં, પરિવારે પુષ્ટિ આપી કે તેઓ હવે વેન્ટિલેટર પર નથી; તેઓ ICU માં છે. તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
એક દિવસ પહેલા, અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ પરિવારે તેને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમકથા બોલિવૂડના સૌથી યાદગાર રોમાંસમાંની એક છે - જે જુસ્સા, પડકારો અને પ્રેમથી ભરેલી છે. તેઓ ૧૯૭૦ માં `તુમ હસીન મેં જવાન` ના સેટ પર મળ્યા હતા, અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ટૂંક સમયમાં વાસ્તવિક પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ધર્મેન્દ્રના પહેલા લગ્નને કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હોવા છતાં, ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી વર્ષ ૧૯૮૦ માં આ દંપતીએ લગ્ન કર્યા.