25 November, 2025 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર
૧૯૫૪માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે પિતાએ તેમનાં લગ્ન પ્રકાશ કૌર સાથે કરાવી દીધેલાં : ૧૯૫૮માં ફિલ્મફેરની ટૅલન્ટ-હન્ટમાં પહેલા નંબરે આવ્યા અને નસીબચક્ર ફર્યું : બૉલીવુડના સૌપ્રથમ હી-મૅન કહેવાયેલા ધર્મેન્દ્રએ અને હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યાં એ ઘટના આજથી ૪૫ વર્ષ પહેલાં શૉકિંગ હતી : ધર્મેન્દ્ર ઇલેક્શન લડીને બિકાનેરના સંસદસભ્ય બન્યા હતા, પણ રાજકારણ તેમને રુચ્યું નહોતું
બૉલીવુડના હી-મૅન ગણાતા ધર્મેન્દ્રનું મૂળ નામ ધરમ સિંહ દેઓલ હતું. તેમનો જન્મ ૧૯૩૫ની ૮ ડિસેમ્બરે પંજાબના ફાજિલ્કા જિલ્લાના નાનકડા ગામ નસરાલીમાં જાટ-સિખ પરિવારમાં ત્રીજા સંતાન તરીકે થયો હતો. પિતા કેવલ કિશન સિંહ દેઓલ સરકારી પ્રાથમિક શાળાના હેડમાસ્તર હતા અને માતા સતવંત કૌર ગૃહિણી હતાં.
ધર્મેન્દ્ર બાળપણમાં ખૂબ શરમાળ અને ડરપોક સ્વભાવના હતા. તેમણે બાળપણનો મોટો ભાગ લુધિયાણા જિલ્લાના સાહનેવાલ ગામમાં પસાર કર્યો હતો. એ પછી તેમણે લુધિયાણાના જ લાલટન કલાં ગામની ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, કારણ કે અહીં તેમના પિતા જ હેડમાસ્ટર હતા. ૧૯૫૨માં તેમણે ફગવાડામાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો.
વિશાળ પરિવાર
ધર્મેન્દ્રનો ઉછેર વિશાળ પરિવારમાં થયો છે. તેમના પિતા કેવલ કિશન સિંહ દેઓલ અને માતા સતવંત કૌરને ચાર દીકરા અને બે દીકરીઓ મળીને કુલ ૬ સંતાનો હતાં જેમાં ધર્મેન્દ્રનો નંબર ત્રીજો હતો. ધર્મેન્દ્રને બે મોટા ભાઈઓ ગુરદીપ સિંહ દેઓલ અને કરણજિત સિંહ દેઓલ તેમ જ એક નાનો ભાઈ અજિત સિંહ દેઓલ હતા. ધર્મેન્દ્રની બન્ને બહેનો બલજિતકૌર અને ગુરદીપકૌર તેમનાથી નાની છે. મળતી વિગતો પ્રમાણે ગુરદીપ સિંહ દેઓલ અમેરિકામાં સેટલ્ડ છે. એ સિવાય કરણજિત સિંહ દેઓલ પંજાબમાં રહે છે જ્યારે ત્રીજા ભાઈ અજિત સિંહ દેઓલ આમ તો અમેરિકામાં રહે છે પણ તેઓ નિયમિત ભારત આવતા-જતા રહે છે અને તેઓ ‘યમલા પગલા દીવાના 2’માં જોવા મળ્યા હતા. ઍક્ટર અભય દેઓલ અજિત સિંહ દેઓલનો જ દીકરો છે. ધર્મેન્દ્રની બન્ને બહેનો પંજાબમાં જ રહે છે. એ બહેનો ભાગ્યે જ જાહેરમાં દેખાય છે.
૧૯ વર્ષની વયે પ્રકાશ કૌર સાથે પ્રથમ લગ્ન
ધર્મેન્દ્રએ તેમની ફિલ્મી કરીઅર શરૂ થાય એ પહેલાં ૧૯૫૪માં માત્ર ૧૯ વર્ષની વયે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. આ એક અરેન્જ્ડ મૅરેજ હતાં. ધર્મેન્દ્રના પિતાએ પંજાબના એક સિખ પરિવારની યુવતી પ્રકાશ કૌર સાથે તેમનાં લગ્ન નક્કી કર્યાં હતાં. આ લગ્ન આર્ય સમાજમાં અત્યંત સાદાઈથી થયાં હતાં, કારણ કે ધર્મેન્દ્રના પિતા પ્રખર આર્યસમાજી હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર સંતાનો થયાં જેમાં ૧૯૫૬માં સની દેઓલનો, ૧૯૬૯માં બૉબી દેઓલનો તેમ જ બે દીકરીઓ વિજેતા દેઓલ અને અજિતા દેઓલનો સમાવેશ છે. વિજેતા દિલ્હીમાં અને અજીતા અમેરિકામાં રહે છે, પણ બન્ને ફિલ્મોથી દૂર છે. ધર્મેન્દ્રએ ૧૯૬૦માં ફિલ્મી કરીઅરની શરૂઆત કરી ત્યારે પણ ક્યારેય તેઓ પરિણીત છે એ વાત છુપાવી નહોતી. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં, પણ પ્રકાશ કૌરને ડિવૉર્સ નથી આપ્યા. પ્રકાશ કૌર જીવનભર મીડિયા અને લોકપ્રિયતાથી દૂર રહ્યાં છે અને ધર્મેન્દ્રએ તેમને ક્યારેય દુઃખ ન પહોંચાડવાનો વાયદો જાહેરમાં વ્યક્ત કર્યો છે.
બૉલીવુડમાં એન્ટ્રી માટેનો સંઘર્ષ
ધર્મેન્દ્રનું હીરો બનવાનું સપનું ખૂબ નાની ઉંમરે જન્મ્યું હતું, પણ એને સાકાર કરવા માટે તેમણે પિતા સામે બંડ પોકાર્યું હતું. ૧૯૫૩ના અંતમાં ધર્મેન્દ્ર પંજાબમાં ઇન્ટરનું બીજું વર્ષ ભણતા હતા. એ સમયે તેમને ફિલ્મોનો એટલો બધો શોખ લાગ્યો કે એક દિવસ તેઓ ઘરેથી થોડા પૈસા લઈને મુંબઈ આવી ગયા હતા. એ સમયે પિતા બહુ ગુસ્સે થયા અને થોડા મહિના પછી પરિવારે પ્રકાશ કૌર સાથે લગ્ન ગોઠવી દીધાં અને ધર્મેન્દ્રને પાછા બોલાવ્યા. આ સમયે ધર્મેન્દ્રએ થોડા દિવસ પંજાબ જઈને લગ્ન કર્યાં, પણ ફિલ્મોની એટલી ઘેલછા હતી કે લગ્ન પછી ફરીથી પત્નીને ગામમાં મૂકીને મુંબઈ આવી ગયા હતા. એ સમયે મુંબઈ આવીને તેમણે વર્ષો સુધી ભારે સંઘર્ષ કર્યો હતો. મુંબઈ પહોંચીને શરૂઆતના દિવસોમાં તેમણે ડિરેક્ટરના ગૅરેજમાં સૂવું પડ્યું, ચર્ચગેટની ફુટપાથ પર રાત કાઢી, મદનપુરા અને ભીંડીબજારની ચાલમાં રૂમ લીધી અને દરરોજ સાઇકલ પર ફિલ્મી ઑફિસોમાં ફોટો આપવા જતા. એ તબક્કામાં અમેરિકન ડ્રિલિંગ કંપનીમાં મહિને ૨૦૦ રૂપિયાની નોકરી પણ તેમણે કરી છે.
ટૅલન્ટ-હન્ટથી ફર્યું નસીબ
ધર્મેન્દ્ર હીરો બનવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમનું નસીબ ૧૯૫૮માં ફિલ્મફેરની ટૅલન્ટ-હન્ટથી ફર્યું. ફિલ્મફેરે પ્રોડ્યુસર બી. એમ. વ્યાસ અને ડિરેક્ટર મોહન કુમાર સાથે મળીને ‘નવા ચહેરાની શોધ’ની જાહેરાત કરી હતી. આ ટૅલન્ટ-હન્ટમાં ધર્મેન્દ્રએ પોતાનો એક સાદો ગામઠી લુકનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો મોકલ્યો અને ફાઇનલમાં તેઓ પહેલા નંબરે આવી ગયા. ઇનામમાં આર્થિક મદદ અને પહેલી ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ મળ્યો. આ જ ટૅલન્ટ-હન્ટને કારણે તેમને ૧૯૬૦માં રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ મળી. જોકે આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. એ પછી તેમણે કેટલીક ફિલ્મો કરી હતી, પણ મોટી સફળતા નહોતી મળી. છેવટે ૧૯૬૬માં ‘ફૂલ ઔર પત્થર’ આવી અને પહેલી સોલો હિટ ગઈ. આ ફિલ્મમાં શર્ટ ઉતારીને લડવાના સીનથી તેમનું નામ ‘હી-મૅન’ પડી ગયું. એ પછી તેમની કરીઅરની ગાડી દોડવા માંડી અને તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. રિપોર્ટ પ્રમાણે તેમણે પોતાની કરીઅરમાં ૩૦૬ કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના એક જૂના ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં કહ્યું હતું, ‘મેં સાત વર્ષ ભૂખ્યા રહીને સંઘર્ષ કર્યો, પરંતુ એક પણ દિવસ હાર નહોતી માની. હું જેકાંઈ છું એ મુંબઈની ફુટપાથની કમાણી છે.’
રાજકારણમાં એન્ટ્રી
ધર્મેન્દ્રનો રાજકારણમાં પ્રવેશ ૨૦૦૪માં થયો હતો. એ સમયે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા અને પાર્ટીના ‘ઇન્ડિયા શાઇનિંગ’ કૅમ્પેનના ભાગરૂપે રાજસ્થાનની બિકાનેર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા. એ સમયે ધર્મેન્દ્રની અપાર લોકપ્રિયતાને કારણે તેઓ આ સીટ પર જીતી ગયા અને ૧૪મી લોકસભાના સંસદસભ્ય બન્યા.
જોકે ૨૦૦૪થી ૨૦૦૯ સુધીના તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન સંસદમાં હાજરી માત્ર ૧૮ ટકા જેટલી હતી. ૨૦૦૯માં તેમનો કાર્યકાળ પૂરો થયા પછી ધર્મેન્દ્ર ફરીથી કોઈ ચૂંટણી ન લડ્યા અને રાજકારણથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા. એ પછી દીકરા સનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર રાજકારણને ક્યારેય પસંદ કરતા નહોતા અને તેમને રાજકારણમાં વિશ્વાસઘાતનો અનુભવ થયો હતો.