25 November, 2025 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફાઇલ તસવીર
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવસ્ટોરી બૉલીવુડની અનોખી લવસ્ટોરીમાં ગણાય છે. હેમા માલિની સાથે ધર્મેન્દ્રની મુલાકાત થઈ ત્યારે તેઓ પરિણીત હતા પણ આમ છતાં તેઓ હેમાના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે તેની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું પસંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની પહેલી મુલાકાત ૧૯૬૫માં ‘આસમાન મહલ’ નામની ફિલ્મના પ્રીમિયરમાં થઈ હતી. એ સમયે હેમા માલિની નવોદિત હતી અને તેની ‘સપનોં કા સૌદાગર’ રિલીઝ પણ નહોતી થઈ. ધર્મેન્દ્ર એ સમયે પહેલેથી જ સ્ટાર હતા અને પોતાની પત્ની પ્રકાશ કૌર સાથે આવ્યા હતા. આ પ્રીમિયરમાં ધર્મેન્દ્ર અને હેમા એકબીજાથી ઇમ્પ્રેસ થઈ ગયાં હતાં.
આ મુલાકાતને યાદ કરતાં હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘એ વખતે હું નવી હતી. ધર્મેન્દ્ર એ સમયે પહેલાંથી જ એક સ્થાપિત હીરો હતા. અમારી મુલાકાત કરાવવામાં આવી અને હું તેમને જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. તેમનો રફ-ટફ હૅન્ડસમ દેખાવ અને સૌથી વધારે તેમની સાદગીભરી મૈત્રીસભર વૃત્તિ મને અનોખી લાગી હતી. મને આજે પણ યાદ છે કે તેમણે એ સમયે બ્રાઉન સૂટ પહેર્યો હતો અને એ સૂટ તેમના પર અદ્ભુત લાગી રહ્યો હતો. મને યાદ છે કે પ્રીમિયરમાં હું સ્ટેજ તરફ ચાલતી હતી ત્યારે મેં ધર્મેન્દ્રજીને શશી કપૂરને પંજાબીમાં કહેતાં સાંભળ્યા કે ‘કુડી બડી ચંગી હૈ.’ જોકે મેં એ સમયે એ વાત અવગણવાનું પસંદ કર્યું હતું.’
આ પછી ધર્મેન્દ્ર અને હેમાએ ૧૯૭૦માં રિલીઝ થયેલી ‘તુમ હસીન મૈં જવાન’માં કામ કર્યું અને આ ફિલ્મના સેટ પર તેમનું પ્રેમપ્રકરણ પૂરબહારમાં ખીલી ઊઠ્યું હતું.
હેમા સાથે નિકટતા માણવા શોલેના શૂટિંગ દરમ્યાન ધર્મેન્દ્રએ પૈસા આપીને વારંવાર કરાવ્યા રીટેક
૧૯૭૫માં રિલીઝ થયેલી ‘શોલે’ના શૂટિંગ વખતે ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું પ્રેમપ્રકરણ જબરદસ્ત ચાલી રહ્યું હતું અને ધર્મેન્દ્ર તો હેમા માલિનીના પ્રેમમાં ગળાડૂબ હતા. આ સંજોગોમાં હેમા માલિનીની વધારે નિકટ રહેવા માટે ધર્મેન્દ્રએ જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. આ ફિલ્મના એક દૃશ્યમાં ધર્મેન્દ્રએ હેમા માલિનીની અત્યંત નિકટ જઈને બંદૂક ચલાવતાં શીખવવાનું હોય છે. આ સીનના વારંવાર રીટેક લેવાય એ માટે ધર્મેન્દ્ર સીન બગાડવા માટે સ્પૉટબૉયને વીસ રૂપિયા આપતા હતા. આમ મસ્તીમાં ધર્મેન્દ્રએ લગભગ બે હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ધર્મેન્દ્રની આ સ્ટાઇલ પર ગુસ્સે થવાને બદલે હેમા ફિદા થઈ ગઈ હતી.
ધર્મેન્દ્રએ અટકાવ્યાં હતાં જિતેન્દ્ર-હેમા માલિનીનાં લગ્ન
હેમા ૧૯૭૦માં ‘તુમ હસીન મૈં જવાન’ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે કામ કરીને તેમના પ્રેમમાં પડી ગઈ. ધર્મેન્દ્ર પહેલેથી જ પ્રકાશ કૌર સાથે પરિણીત હતા અને આ કારણે હેમાનાં મમ્મી જયા ચક્રવર્તી ખૂબ ચિંતામાં મુકાઈ ગયાં. તેમણે હેમાને તેના બહુ સારા મિત્ર જિતેન્દ્ર સાથે લગ્ન કરવા સમજાવી અને હેમા પણ કુટુંબના દબાણને કારણે આ લગ્ન કરવા તૈયાર થઈ. જોકે એ સમયે જિતેન્દ્ર ઍર-હૉસ્ટેસ શોભા સિપ્પીને ડેટ કરી રહ્યો હતો. જિતેન્દ્રનો પરિવાર પણ હેમા સાથે લગ્ન માટે માની ગયો અને ૧૯૭૪માં ચેન્નઈમાં ગુપ્ત લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જોકે લગ્નની ખબર એક સ્થાનિક અખબારમાં લીક થઈ ગઈ. ધર્મેન્દ્રને આ વાત જાણવા મળતાં તે જિતેન્દ્રની ગર્લફ્રેન્ડ શોભા સિપ્પીને મળવા ગયા અને બન્ને ચેન્નઈની ફલાઇટ પકડીને લગ્નના સ્થળે પહોંચી ગયાં. ત્યાર પછી મોટો પારિવારિક વિવાદ થયો અને જિતેન્દ્ર અને હેમા માલિનીનાં લગ્ન અટકી ગયાં.