25 November, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્રની ફાઇલ તસવીર
૧૯૭૩માં રિલીઝ થયેલી ‘ઝંજીર’થી અમિતાભ બચ્ચનની કરીઅર ચમકી ગઈ. જોકે હાલમાં બૉબી દેઓલે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ સૌથી પહેલાં હી-મૅન ધર્મેન્દ્રને ઑફર થઈ હતી પરંતુ પારિવારિક વિવાદને કારણે તેમણે આ ફિલ્મ નહોતી કરી.
બૉબીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘‘ઝંજીર’ પહેલાં મારા પાપા ધર્મેન્દ્રને ઑફર થઈ હતી. મારા પાપા આ ફિલ્મ કરવા માગતા હતા પરંતુ તેમની એક કઝિન બહેનને ફિલ્મના ડિરેક્ટર પ્રકાશ મેહરા સાથે કોઈ મનદુઃખ થયું હતું. જ્યારે તેમને ખબર પડી કે પાપાને ‘ઝંજીર’ ઑફર થઈ છે ત્યારે તે સીધી ઘરે આવી અને પાપાને કહ્યું કે તમને મારા સમ, જો તમે આ ફિલ્મ કરશો તો મારું મરેલું મોં જોશો. પોતાની બહેનની આ લાગણીને કારણે પાપાએ ‘ઝંજીર’ છોડી દીધી. ’
રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્રને ‘ઝંજીર’ની વાર્તા એટલી ગમી ગઈ હતી કે તેમણે ૧૭,૫૦૦ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવીને સલીમ ખાન પાસેથી વાર્તા ખરીદી હતી, પરંતુ વિવાદ પછી તેમણે પ્રકાશ મેહરાને આ ફિલ્મ બનાવવાના રાઇટ્સ આપી દીધા જેના કારણે આ સુપરહિટ ફિલ્મનું નિર્માણ ધર્મેન્દ્રએ નહીં પરંતુ પ્રકાશ મેહરાએ કર્યું.