25 November, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર અને જયા બચ્ચનની ફાઇલ તસવીર
જયા બચ્ચન પોતાની લાગણી સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે જાણીતાં છે. અમિતાભ બચ્ચનને પ્રેમ કરીને તેમને પરણેલાં જયાનો ક્રશ અમિતાભ નહીં પણ ધર્મેન્દ્ર હતા અને તેમણે આ વાતની કબૂલાત કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’માં હેમા માલિનીની સામે જ કરી હતી. જયાએ આ શોમાં જણાવ્યું હતું, ‘મારે ‘શોલે’માં હેમાએ ધર્મેન્દ્રની હિરોઇન તરીકે બસંતીનું જે પાત્ર ભજવ્યું હતું એ પાત્ર ભજવવું જોઈતું હતું કારણ કે મને ધર્મેન્દ્ર ખૂબ જ ગમતા હતા અને તેઓ મારા ક્રશ હતા. જ્યારે મેં તેમને પહેલી વાર જોયા ત્યારે હું એટલી ગભરાઈ ગઈ કે મને ખબર જ ન પડી કે શું કરવું. તે એક બહુ શાનદાર દેખાતા માણસ હતા. તેમણે સફેદ પૅન્ટ અને શૂઝ પહેર્યાં હતાં અને તે ગ્રીક ગૉડ જેવા હૅન્ડસમ દેખાતા હતા.’
આ એપિસોડમાં હેમા માલિની પણ હાજર હતાં અને જયાની વાત સાંભળીને હસી પડેલાં. જયાએ ૧૯૭૪માં રિલીઝ થયેલી પોતાની પહેલી ફિલ્મ ‘ગુડ્ડી’માં ઍક્ટર ધર્મેન્દ્રથી આકર્ષિત ૧૬ વર્ષની સ્કૂલગર્લનો રોલ ભજવ્યો હતો અને આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ પોતાનું જ પાત્ર ભજવ્યું હતું.
એક વાર આમિર ખાને પણ એક વાતચીત દરમ્યાન અમિતાભ બચ્ચનને પૂછ્યું કે ‘જયા બચ્ચન જ્યારે કોઈ બીજા હીરો સાથે શૂટિંગ કરવા જતાં ત્યારે કયા હીરોનું નામ સાંભળીને તમને વધારે ઇન્સિક્યૉરિટી લાગતી ત્યારે બિગ બીએ જવાબ આપ્યો હતો કે તેમણે મને પહેલા જ દિવસે કહી દીધું હતું કે ધર્મેન્દ્ર તેમને અત્યંત પ્રિય છે, સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્ર જેટલું હૅન્ડસમ કોઈ નથી.’