07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ ખાને પત્ની સલમા ખાનને ડિવૉર્સ આપ્યા વગર હેલન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં
સલમાન ખાનના પિતા અને લોકપ્રિય લેખક સલીમ ખાને પત્ની સલમા ખાનને ડિવૉર્સ આપ્યા વગર હેલન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. જોકે તેમણે બન્ને પત્નીઓને હંમેશાં સમાન રીતે પ્રેમ અને આદર આપ્યાં છે, જેના કારણે સલમા અને હેલન બન્ને આજે પરિવારનો ખાસ હિસ્સો છે. જોકે આ લગ્ન પછી સલીમ ખાનના એક નિર્ણયથી ધર્મેન્દ્રને બહુ આશ્ચર્ય થયું હતું અને આ ઘટનાક્રમ હેલને દીકરા અરબાઝના શોમાં જણાવ્યો હતો.
થોડા સમય પહેલાં અરબાઝ ખાને એક શો હોસ્ટ કર્યો હતો. એમાં મહેમાન તરીકે હેલન આવી હતી. તેણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘૧૯૯૫માં જ્યારે સલીમ ખાનની દીકરી અલ્વિરાનાં લગ્ન અતુલ અગ્નિહોત્રી સાથે કરવામાં આવ્યાં ત્યારે આ લગ્નના આમંત્રણ કાર્ડ પર સલીમ ખાને સલમાની સાથે મારું નામ પણ છાપવાનો નિર્ણય લીધો હતો, જેથી અમને બન્નેને પરિવારનો સમાન હિસ્સો ગણાવી શકાય. તેમના આ નિર્ણયથી ધર્મેન્દ્રને બહુ આશ્ચર્ય થયું હતું, કારણ કે તેમને અપેક્ષા નહોતી કે પરિવારમાં બીજી પત્નીનો આટલા ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવશે. મને આ પગલું ખુશીની સાથે હિંમત પણ આપી ગયું અને મને અહેસાસ થયો કે હું એકલી નથી અને મારો પણ પોતાનો પરિવાર છે.’
સલીમ ખાનની જેમ ધર્મેન્દ્રએ પણ છૂટાછેડા વિના બે લગ્ન કર્યાં હતાં. પહેલાં તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં, જેમાંથી તેમને ચાર બાળકો થયાં. અને પછી તેમની સાથેનો સંબંધ તોડ્યા વિના ૧૯૮૦માં હેમા માલિની સાથે ધર્મ બદલીને નિકાહ કર્યા, જેમાંથી તેમને બે દીકરીઓ ઈશા અને આહના દેઓલ થઈ. જોકે ધર્મેન્દ્રની બન્ને પત્નીઓ વચ્ચે વાતચીત કરવાનો પણ સંબંધ નથી.