15 July, 2025 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધીરજ કુમાર
બોલિવૂડ (Bollywood)માંથી આજે એક દુઃખદ સમાચાર આવ્યા છે. હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને નિર્માતા ધીરજ કુમાર (Dheeraj Kumar) હવે આ દુનિયામાં નથી. અભિનેતાએ ૮૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ (Dheeraj Kumar Dies) લીધા. ધીરજ કુમારને મુંબઈ (Mumbai)ની કોકિલાબેન હોસ્પિટલ (Kokilaben Dhirubhai Ambani Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા. અભિનેતા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ન્યુમોનિયાને કારણે તેમને એક દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. બાદમાં આજે તેમનું મૃત્યુ થયું છે.
અભિનેતા- નિર્માતા ધીરજ કુમારનું ૮૦ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ન્યુમોનિયાનો શિકાર બન્યા હતા અને જિંદગી સામેની જંગ હારી ગયા હતા. ધીરજ કુમારના મૃત્યુ પહેલા, પરિવાર અને પ્રોડક્શન ટીમ દ્વારા તેમના હોસ્પિટલમાં દાખલ થવાની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ધીરજ કુમાર ડોકટરોની કડક દેખરેખ હેઠળ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ સમય દરમિયાન, પરિવારે અભિનેતાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને આ મુશ્કેલ સમયમાં દરેકને તેમની ગોપનીયતા જાળવવા વિનંતી પણ કરી.
ધીરજ કુમારના મૃત્યુ અંગે પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, તેમના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોક છવાઈ ગયો છે. ચાહકો તેમના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.
છેલ્લે ધીરજ કુમાર તાજેતરમાં નવી મુંબઈ (Navi Mumbai)ના ખારઘર (Kharghar)માં ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે સનાતન ધર્મના પ્રસારને ટેકો આપવાના પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ધીરજ કુમારની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી અને તે સમયની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું. તેમણે ૧૯૭૪માં આવેલી ફિલ્મ `રોટી કપડા ઔર મકાન` જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ સહાયક ભૂમિકાઓ ભજવી. તેમણે મનોજ કુમાર અને ઝીનત અમાન સાથે અભિનય કર્યો છે. આ ઉપરાંત, તેમણે `સ્વામી`, `ક્રાંતિ` અને `હીરા પન્ના` જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
હિન્દી ફિલ્મોમાં અભિનય ઉપરાંત, ધીરજ કુમારે પંજાબી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી હતી અને તેમની કારકિર્દી દરમિયાન ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
ફિલ્મો ઉપરાંત, ધીરજ કુમારે તેમની પ્રોડક્શન કંપની, ક્રિએટિવ આઈ લિમિટેડ (Creative Eye Limited) દ્વારા ઉત્તમ ટીવી શોનું પણ નિર્માણ કર્યું છે. તેમણે ઘણા સફળ અને લાંબા સમયથી ચાલતા ટીવી શોનું નિર્માણ કર્યું છે. આમાં પૌરાણિક અને ભક્તિ શૈલીના શોનો સમાવેશ થાય છે. `ઓમ નમઃ શિવાય`, `શ્રી ગણેશ`, `જય સંતોષી મા` અને `જપ તપ વ્રત` જેવા લોકપ્રિય ટીવી શોનું નિર્માણ તેમના બેનર હેઠળ થયું હતું.