15 December, 2025 12:36 PM IST | Mumbai | Gaurav Sarkar
સારા અર્જુન
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીરની હિરોઇન તરીકે તેનાથી ૨૦ વર્ષ નાની સારા અર્જુને કામ કર્યું છે. રણવીર અને સારા વચ્ચે આટલો બધો વયનો તફાવત હોવા છતાં ફિલ્મની વાર્તા પ્રમાણે તેમની જોડી સારી લાગે છે. આ ફિલ્મનું કાસ્ટિંગ બહુ સમજીવિચારીને કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મોટા કલાકારો સાથે ઓછા જાણીતા કલાકારોને પણ અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે એના કારણે કાસ્ટિંગ-ડિરેક્ટરની ખાસ પ્રશંસા થઈ રહી છે.
આ ફિલ્મના કાસ્ટિંગ વિશે કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મેં અને આદિત્યએ કાસ્ટ ફાઇનલ કરવા માટે લગભગ દોઢ વર્ષનો સમય લીધો. શરૂઆતમાં તેમણે એવા કલાકારો પર વિચાર કર્યો જેમણે OTT પ્લૅટફૉર્મ પર પોતાના કામથી મજબૂત છાપ છોડી હતી. દરેક કાસ્ટિંગ સાથે અમે ઘણો સમય એ વિચારવામાં વિતાવ્યો કે અર્જુન, માધવન, સંજુ બાબા કે અક્ષય રોલ માટે યોગ્ય રહેશે કે નહીં. દરરોજ હું અને આદિત્ય બેથી ૪ કલાક બેઠા રહીને નામો પર ચર્ચા કરતા, વાદવિવાદ કરતા અને વાતચીત કરતા. રણવીર પહેલેથી જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો હતો. ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ માટે ૧૩૦૦ યુવતીઓનાં ઑડિશન લેવાયાં હતાં અને એમાંથી આખરે સારા અર્જુનની પસંદગી કરવામાં આવી હતી.’