08 May, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર : ધ રિવેન્જના ગીત ઓયે ઓયેને લઈને ચાલી રહેલો કૉપીરાઇટ વિવાદ વકર્યો
આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતાની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ એને કૉપીરાઇટના મામલે મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈ કોર્ટને જાણ કરવામાં આવી છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ના નિર્માતાઓ અને ત્રિમૂર્તિ ફિલ્મ્સ વચ્ચે ગીત ‘ઓયે ઓયે’ને લઈને ચાલી રહેલો કૉપીરાઇટ વિવાદ મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાયો નથી.
રાજીવ રાયની ત્રિમૂર્તિ ફિલ્મ્સે ડિરેક્ટર આદિત્ય ધરના સ્ટુડિયો સામે પરવાનગી વગર તેની ફિલ્મ ‘ત્રિદેવ’ના ગીતનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કર્યો છે. આ ગીતના હક રાજીવ રાયની પ્રોડક્શન-કંપની પાસે છે. આ મામલે ‘ધુરંધર : ધ રિવેન્જ’ના નિર્માતાઓ અને ત્રિમૂર્તિ ફિલ્મ્સ વચ્ચે મધ્યસ્થતા નિષ્ફળ જતાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ગીત ‘ઓયે ઓયે’ને લઈને ઊભો થયેલો વિવાદ નવા વળાંક પર પહોંચી ગયો છે. હવે ફિલ્મના નિર્માતાઓએ કોર્ટમાં ટ્રાયલનો સામનો કરવો પડશે.
આ વિવાદની શરૂઆતમાં દિલ્હી હાઈ કોર્ટે બન્ને પક્ષને મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાનું સૂચન કર્યું હતું પરંતુ હવે કોર્ટને જાણ કરવામાં આવી કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે જેના કારણે હવે મામલાની સીધી સુનાવણી થશે.
‘ધુરંધર : ધ રિવેન્જ’ રિલીઝ થયા બાદ તરત જ ત્રિમૂર્તિ ફિલ્મ્સે નિર્માતાઓ સામે કેસ દાખલ કર્યો હતો. તેમનો દાવો છે કે ગીતનો ઉપયોગ જરૂરી લાઇસન્સ અથવા મંજૂરી વગર કરવામાં આવ્યો છે. કંપનીએ ગીત અને એના સાઉન્ડ-રેકૉર્ડિંગ સાથે જોડાયેલા તમામ અધિકારો પર પોતાનો માલિકીહક અને સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. પ્રોડક્શન-હાઉસનું કહેવું છે કે ગીતને ફરી બનાવવું અને પરવાનગી વગર જાહેરમાં રજૂ કરવું કૉપીરાઇટનું ઉલ્લંઘન છે.
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી સુપરહિટ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની OTT-રિલીઝને લઈને મોટું અપડેટ આવ્યું છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને ૭ અઠવાડિયાં પૂર્ણ થઈ ચૂક્યાં છે અને ફિલ્મે બૉક્સ-ઑફિસ પર અનેક નવા રેકૉર્ડ બનાવ્યા છે. આ ફિલ્મના ક્લાઇમૅક્સમાં વપરાયેલા ‘ઓયે ઓયે’ સૉન્ગના કૉપીરાઇટના મામલામાં ચાલી રહેલા કેસ દરમ્યાન ફિલ્મની OTT-રિલીઝ વિશે માહિતી મળી છે. આ કેસની સુનાવણી દરમ્યાન ફિલ્મના નિર્માતાએ કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મ પહેલેથી જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને મે મહિનાના મધ્ય સુધી OTT જિયોહૉટસ્ટાર પર પણ આવી શકે છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ માટે ૮થી ૧૦ અઠવાડિયાંની થિયેટ્રિકલ વિન્ડો નક્કી કરવામાં આવી છે. ફિલ્મને ૮ અઠવાડિયાં ૧૪ મેએ પૂરાં થશે એથી એ સમયગાળા પછી એની ડિજિટલ રિલીઝ થશે એવું માનવામાં આવે છે.