11 March, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હમઝા અલી મઝારીના હાથ પર દેખાતી લક્ઝરી વૉચ
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં દેખાય છે કે ક્યારેક ટેબલ સાફ કરતો હમઝા અલી મઝારી હવે લ્યારીનો નવો બાદશાહ બની ગયો છે. તેની કિસ્મત એવી રીતે બદલાઈ ગઈ છે કે હવે તે હાથમાં મોંઘી લક્ઝરી ઘડિયાળો પહેરતો જોવા મળે છે. ટ્રેલર રિલીઝ થતાં જ એક સીનમાં લોકોની નજરે ચડેલી રણવીરે પહેરેલી લક્ઝરી ઘડિયાળની સોશ્યલ મીડિયામાં ચર્ચા છે. રિપોર્ટ્સ મુજબ ટ્રેલરમાં રણવીરે રોલેક્સ કૉસ્મોગ્રાફ ડેટોના ટૂ-ટોન વૉચ પહેરી છે, જેની કિંમત લગભગ બાવીસ લાખ રૂપિયા જેટલી ગણાવવામાં આવી રહી છે.
સ્વિસ લક્ઝરી વૉચ કંપની રોલેક્સ દ્વારા બનાવવામાં આવેલી આ ઘડિયાળ ટૂ-ટોન ડિઝાઇનમાં બનાવવામાં આવી છે, જેમાં ઑયસ્ટરસ્ટીલ અને ૧૮ કૅરૅટ ગોલ્ડનો ઉપયોગ થયો છે. આ ખાસ ઘડિયાળ કાર-રેસિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. એમાં ક્રોનોગ્રાફ ફીચર છે જે સ્ટૉપવૉચની જેમ કામ કરે છે. લક્ઝરી ઘડિયાળોના શોખીન લોકોમાં આ મૉડલ ખાસ લોકપ્રિય માનવામાં આવે છે.