03 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`લાપતા લેડીઝ’ અને ‘ઘૂંઘટ કે પટ ખોલ’
કિરણ રાવ અને આમિર ખાનની ‘લાપતા લેડીઝ’નાં વખાણ આખી દુનિયામાં થયાં છે અને એ ફિલ્મ તેમ જ એના કલાકારો અનેક અવૉર્ડ જીત્યા છે. આ ફિલ્મને ભારત તરફથી ૯૭મા ઑસ્કર અવૉર્ડ્સમાં મોકલવામાં આવી હતી. જોકે હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ હકીકતમાં એક વિદેશી ફિલ્મની નકલ છે. મળતી માહિતી પ્રમાણે ‘લાપતા લેડીઝ’ એ ‘બુર્કા સિટી’ નામની વિદેશી ફિલ્મની ઉઠાંતરી છે. આ વાતની ખબર પડતાં યુઝર્સ આખી વાતને શરમજનક ગણાવી રહ્યા છે.
હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટની કેટલીક પોસ્ટમાં ૧૯ મિનિટની શૉર્ટ ફિલ્મ ‘બુર્કા સિટી’નો વિડિયો શૅર કરવામાં આવ્યો છે જે ‘લાપતા લેડીઝ’ની વાર્તાને મળતો આવે છે. ‘બુર્કા સિટી’માં મિડલ ઈસ્ટના એક નવપરિણીત દંપતીની વાત છે જેની પત્નીની બુરખાને કારણે બીજી મહિલા સાથે અદલાબદલી થઈ જાય છે. એ પછી પતિ પોતાની પત્નીને શોધવા નીકળી પડે છે. ઘણા નેટિઝન્સને લાગે છે કે ‘બુર્કા સિટી’ની વાર્તા અને પ્લૉટ ‘લાપતા લેડીઝ’ જેવાં છે.
આ પહેલાં અનંત મહાદેવને પણ આરોપ મૂક્યો હતો કે ‘લાપતા લેડીઝ’ની વાર્તા ૧૯૯૯માં આવેલી તેમની ફિલ્મ ‘ઘૂંઘટ કે પટ ખોલ’ને મળતી આવે છે.