25 March, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહના દાદી ચાંદ બર્ક
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા વચ્ચે તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે રણવીર સિંહની દાદી ચાંદ બર્ક પોતે એક જાણીતાં અભિનેત્રી રહી ચૂક્યાં છે. એવું માનવામાં આવે છે કે રણવીરને ઍક્ટિંગની ટૅલન્ટનો વારસો તેની દાદી પાસેથી જ મળ્યો છે.
ચાંદ બર્કનો જન્મ ૧૯૩૨માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાયલપુર (હાલનું ફૈસલાબાદ)માં થયો હતો. તેઓ એક પંજાબી ક્રિશ્ચિયન પરિવારમાં મોટાં થયાં હતાં. તેમના પરિવારમાં કુલ ૧૨ ભાઈ-બહેન હતાં અને તેમના પપ્પા સ્કૂલમાં હેડમાસ્ટર હતા તેમ જ ઉર્દૂ શાયરી લખતા હતા.
ચાંદ બર્કે ૧૯૪૬માં પંજાબી ફિલ્મોથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. તેઓ માત્ર એક સારાં અભિનેત્રી જ નહીં, ઉત્તમ ડાન્સર પણ હતાં જેને કારણે તેમને ‘ડાન્સિંગ લિલી ઑફ પંજાબ’ તરીકે ઓળખવામાં આવતાં હતાં. તેઓ લાહોરમાં બનેલી અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં અને ત્યાર બાદ તેમણે રાજ કપૂરની ફિલ્મ ‘બૂટ પૉલિશ’ દ્વારા બૉલીવુડમાં પણ ઓળખ મેળવી હતી.
ભારત-પાકિસ્તાનના વિભાજન પછી ચાંદ બર્ક મુંબઈમાં સ્થાયી થયાં હતાં. શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં તેમની કરીઅર પર અસર પડી અને તેઓ થોડા સમય માટે ગુમનામ રહ્યાં હતાં, પરંતુ બાદમાં ફરી તેમને ઓળખ મળી. ૨૦૦૮ની ૨૮ ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું.