રાઠોડ પરિવાર એક ક્લિનિકલ નહીં, ક્લાસિકલ ફૅમિલી છે

30 August, 2026 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લતા મંગેશકર અને રાઠોડ પરિવાર વચ્ચેના આત્મીય સંબંધો, સુનાલી રાઠોડ અને રૂપકુમાર રાઠોડની સંગીતયાત્રા તથા દીદી પાસેથી મળેલા અમૂલ્ય માર્ગદર્શનની રસપ્રદ કહાની.

હૃદયનાથ મંગેશકર અને લતા મંગેશકર સાથે સુનાલી અને રૂપકુમાર રાઠોડ.

વિશ્વની ૭ અજાયબીમાં ભારતના તાજ મહલનો સમાવેશ થાય છે, પણ લિસ્ટમાં એનો નંબર કેટલામો છે એ સ્પષ્ટતા નથી થઈ. જો વિશ્વમાં સંગીતક્ષેત્રની ૭ અજાયબીની વાત થાય તો કોકિલકંઠી સ્વર ધરાવતાં લતાજીનો નંબર જ અવ્વલ આવે એ વાત નિર્વિવાદ છે. એટલું જ નહીં, મંગેશકર પરિવારે સંગીતના ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે એવું વિશ્વના કોઈ પરિવારે આપ્યું નથી. આવા બેનમૂન મંગેશકર પરિવાર સાથે રાઠોડ પરિવારની નિકટતાની આજે વાત કરવી છે. 
સુનાલી રાઠોડ હૃદયનાથજી સાથેની પ્રથમ મુલાકાત યાદ કરતાં કહે છે... 
એ દિવસોમાં હું પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે સુગમ સંગીત શીખતી હતી. તેમના દ્વારા હૃદયનાથજી સાથે મુલાકાત થઈ. તેમનો સવાલ હતો કે પહેલાં એ કહે કે મારી પાસે સંગીત શીખવાનું કારણ શું? મેં પટ દઈને જવાબ આપ્યો, મારે પ્લેબૅક સિંગર બનવું છે અને લતાજી, આશાજીની જેમ ફેમસ થવું છે. તે થોડું મલકાયા અને કહે, ક્યારથી શરૂ કરવું છે? મેં કહ્યું, આજથી, હમણાં જ શરૂ કરીએ. હું તાનપૂરો લઈને બેઠી. તેમણે કહ્યું, ચલો, સા લગાઓ. થોડી જ વારમાં મને ખબર પડી કે હું ધારું છું એટલી સહેલી વાત નથી, પરંતુ એ દિવસે તેમના સાંનિધ્યમાં મને સંગીતની દિવ્યતા શું છે એનો અહેસાસ થઈ ગયો.
મમ્મીએ તેમને પૂછ્યું, સુનાલી અઠવાડિયામાં એક વાર તમારા ઘેર આવે કે બે વાર? મેં કહ્યું, હું રોજ જઈશ. અને હું રોજ તેમના ઘરે જવા લાગી. ઘણી વાર એવું બને કે ત્યાં જાઉં ત્યારે તે અને દીદી મૅચ જોતાં હોય. હું રાહ જોઈને બેસું કે હમણાં શીખવશે, પણ મોડું થઈ જાય અને હું નિરાશ થઈને પાછી વળું. આમ છતાં મારા ઉત્સાહમાં કોઈ ફરક ન પડે. જોકે બે મહિનામાં મને પ્રતીતિ થઈ કે પ્લેબૅક સિંગર થવું એ ખાવાના ખેલ નથી.
કશી રોકટોક વિના, એક પરિવારના સભ્યની જેમ હું પ્રભુ કુંજમાં આવ-જા કરતી. જીવનભર હૃદયનાથજીએ મારી પાસે ટ્યુશનનો એક પૈસો નથી લીધો. દીદીનો પણ મારા પર અપાર સ્નેહ હતો. મારા અને રૂપાલી (બહેન)ના જન્મદિવસે દીદી અચૂક ગિફ્ટ લાવે. અમારા ઘરે જમવા આવે. અનેક વાર તેમના રેકૉર્ડિંગમાં ગઈ છું. એ દિવસોમાં આજના જેવી સાઉન્ડ ટેક્નિક નહોતી. એક ગીતમાં એકો સાઉન્ડ ઇફેક્ટની (પડઘાની) જરૂર હતી. દીદી કહે, આ અવાજ સુનાલીના સ્વરમાં રેકૉર્ડ કરીએ. હું તો રોમાંચિત થઈ ગઈ. તેમની આંખો કહેતી હતી, લે, આજે તારું પ્લેબૅક સિંગર બનવાનું સપનું પૂરું કર્યું.
lll
એક trained singer તરીકે સુનાલીએ ‘ખુશ્બૂ’ આલબમમાં પરવીન શાકિરની ગઝલો અદબ અને આદાબથી પેશ કરી છે. લેસ્લી લુઇસ સાથે This is me – Sunali નામે હિન્દી પૉપ ગીતોનું આલબમ લોકપ્રિય થયું છે. ‘આગાઝ’, ‘ભજન કલશ’, ‘મિતવા’ અને ‘ખઝાના’ આલબમ એક વાત પુરવાર કરે છે કે સુનાલી રાઠોડ એક સંપૂર્ણ કલાકાર છે. જીવનસાથી રૂપકુમાર રાઠોડ સાથે તેમના ‘ઇશારા’, ‘મિતવા’, ‘મોહબ્બત હો ગઈ’, ‘બઝ્મ-એ-મીર’ નામનાં આલબમ રેકૉર્ડ થયાં છે. ‘ઝિક્ર તેરા’ આલબમને ‘બેસ્ટ ગઝલ આલબમ’નો અવૉર્ડ મળ્યો છે. 
લતાજી સાથેના સંબંધની સરવાણીની શરૂઆત ક્યાંથી થઈ એ યાદ કરતાં રૂપકુમાર રાઠોડ કહે છે... 
તેમની સાથે વર્ષોથી ઓળખાણ હતી, પરંતુ નિકટતા નહોતી. એ દિવસોમાં નદીમ-શ્રવણની જોડી પોતાનું નામ જમાવવાની ભરપૂર કોશિશ કરતી હતી. ‘હિસાબ ખૂન કા’ માટે એક ગીત લતાજીના સ્વરમાં રેકૉર્ડ કરવાનું હતું. બન્ને મને કહે, દીદી માટે આ ગીત કૅસેટમાં રેકૉર્ડ કરીને મોકલવાનું છે. કૅસેટ સાંભળીને લતાજી કહે, આ અવાજ નદીમ કે શ્રવણનો નથી, આટલું સરસ કોણે ગાયું છે? હૃદયનાથજી કહે, આ રૂપનો અવાજ છે. તેમણે કહ્યું, લય છાન ગાતો, તેને રેકૉર્ડિંગમાં બોલાવજો.
એ રેકૉર્ડિંગમાં પહેલી વાર તેમને નજીકથી મળવાનો મોકો મળ્યો. મળતાં જ કહે, આપ બહુત અચ્છા ગાતે હૈ. મને તો મા સરસ્વતીના આશીર્વાદ મળ્યા. લાગ્યું કે જન્મારો સફળ થઈ ગયો. અમે નિરાંતે વાતો કરી. રેકૉર્ડિંગ બાદ કહે, બૈઠીએ અને લંચ-બૉક્સમાંથી આગ્રહપૂર્વક ચટણી સૅન્ડવિચ ખવડાવી.
એ દિવસથી અમારું એવું બોંડિંગ થઈ ગયું કે તેમણે એક માની જેમ મને પ્રેમ કર્યો. ‘લેકિન’માં તેમનું ‘કેસરિયા બાલમા’ ગીત રેકૉર્ડ થયું ત્યારે તબલા પર મેં તેમની સાથે સંગત કરી હતી. એક મ્યુઝિશ્યન તરીકે આ ગીત મારું અંતિમ ગીત હતું. 
ત્યાર બાદ ગઝલ સિંગર તરીકે હું એસ્ટૅબ્લિશ થતો જતો હતો. સમય જતાં ઉષા ખન્નાએ પ્લેબૅક સિંગર તરીકે મારું પ્રથમ ગીત ‘અપના દેશ, પરાયે લોગ’ માટે રેકૉર્ડ કર્યું. એ ગીત સાંભળીને નિર્માતા શશિલાલ નાયરે ‘અંગાર’ માટે મારું નામ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને સજેસ્ટ કર્યું. હું બે-ત્રણ વાર તેમને મળવા ગયો પણ લાંબી રાહ જોવડાવે અને પછી કહે, સૉરી, થોડા દિવસ પછી મળીએ.
‘અંગાર’નું એક ગીત લતાજી અને અમિતકુમારના સ્વરમાં રેકૉર્ડ કરવાનું હતું. રેકૉર્ડિંગના દિવસે લતાજી સહિત સૌ અમિતકુમારની રાહ જોતા હતા, પણ તેમનો પત્તો નહોતો. શશિલાલ નાયરે લક્ષ્મીજીને કહ્યું, ઉસ લડકે કો બુલાતે હૈ, એક બાર ઉસે સુન તો લો. લતાજી કહે, કિસકી બાત કરતે હો? શશિલાલે મારું નામ આપ્યું. દીદી કહે, હાં... હાં, બહુત અચ્છા ગાતા હૈ. તરત લક્ષ્મીજીએ મને મેહબૂબ સ્ટુડિયોમાં બોલાવ્યો. આમ દીદી સાથે મારું પ્રથમ ગીત રેકૉર્ડ થયું. શબ્દો હતા, કિતની ઝલદી યે મુલાકાત ગુઝર જાતી હૈ, પ્યાસ બૂઝતી નહીં બરસાત ગુઝર જાતી હૈ.
દીદી સાથે મારું ગીત રેકૉર્ડ થયું એટલે આપણામાં મિથ્યાભિમાન આવી જાય એ સહજ છે. હું સાતમા આસમાનમાં ઊડવા લાગ્યો. જોકે એનો નશો થોડા જ દિવસમાં ઊતરી ગયો અને એ પણ દીદી સાથેના એક ડ્યુએટમાં. 
ફિલ્મ ‘લાલ સલામ’માં હૃદયનાથજીના સંગીતમાં ગુલઝાર લિખિત એક ગીત દીદી અને મારા સ્વરમાં રેકૉર્ડ થવાનું હતું. સવારની શિફ્ટમાં મારા ભાગનું ગીત રેકૉર્ડ થયું. સૌએ વાહ-વાહ કરી. મને થયું કે આજે કમાલ કરી છે, દીદીને ખ્યાલ આવશે કે હું કેટલો તૈયાર છું. બપોરે દીદી આવ્યાં અને કેવળ ૩ મિનિટમાં પોતાનો ભાગ રેકૉર્ડ કર્યો. તેમની ગાયકી સાંભળીને મને લેસન મળ્યું કે સારી અને ખરાબ ગાયકી કોને કહેવાય. 
મેં હૃદયનાથજીને કહ્યું, મારે ફરી વાર રેકૉર્ડ કરવું છે. તેમણે કહ્યું, ઠીક હૈ, ગાઓ. દીદી ફુરસદમાં હતાં એટલે સ્ટુડિયોમાં જ હતાં. મેં શરૂ કર્યું. ચાર-પાંચ રી-ટેક થયા. હું દીદીની હાજરીમાં મારી કાબેલિયત પુરવાર કરવાની મિથ્યા કોશિશ કરતો હતો. મારી મથામણ જોઈને તે મારી પાસે આવ્યાં અને કાનમાં કહ્યું, ડૉક્ટર ક્લાસિકલ સિંગર નહીં હૈ, ભીમસેન જોષી સ્ટાઇલ સે ગાને કી કોઈ ઝરૂરત નહીં.
આ એક વાક્યે મને પ્લેબૅક સિન્ગિંગનો મહામંત્ર આપ્યો. ફિલ્મમાં જે ડૉક્ટરના પાત્ર માટે હું પ્લેબૅક આપતો હતો તે સીધોસાદો હતો એ હું ભૂલી ગયો હતો. એક સફળ સિંગર બનવા બીજી અનેક બાબતો પર ધ્યાન આપવું પડે એ અમૂલ્ય પાઠ મને એ દિવસે મળ્યો. મારી સઘળી સફળતાનું શ્રેય તેમના આશીર્વાદ અને માર્ગદર્શનને આભારી છે. 
ફિલ્મ ‘વીરઝારા’ના ‘તેરે લિએ હમ હૈં જિયે’ માટે યશ ચોપડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે મને એક No Objection Letter આપી દે, જો ગાયકી પસંદ નહીં આવે તો બીજા સિંગર પાસે રેકૉર્ડ કરી શકું. મારો પૉર્શન પહેલાં રેકૉર્ડ થયો. બીજા દિવસે લતાજી એ સાંભળીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. રાત્રે ૧૨ વાગ્યે મને ફોન કર્યો, રૂપજી, આપને લાજવાબ ગાયા હૈ.
વાત કરતાં રૂપકુમાર ભાવવિભોર થઈ જાય છે. મંગેશકર અને રાઠોડ પરિવાર વચ્ચે કેવળ સંબંધ નહીં, ઋણાનુબંધ હતો. સંબંધમાં બંધન હોય, ઋણાનુબંધમાં આત્મીયતા હોય. તો જ સંબંધ વિકસે, મહેકે અને પ્રસરે. 
lll
રાઠોડ પરિવારનાં રીવા, સુનાલી અને રૂપકુમારને ગળગૂથીમાં સા, રે, ગ, મ મળ્યા છે. તેમણે પોતાની લગન અને ધગશથી પ, ધ, ની શોધીને એક સુરીલી સરગમ સજાવીને શ્રોતાઓને તરબતર કર્યા છે. એટલે જ એમ કહેવાનું મન થાય કે રાઠોડ પરિવાર એક ક્લિનિકલ નહીં, ક્લાસિકલ ફૅમિલી છે. 
 મહેતા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે લોહીનો નહીં, લયનો સંબંધ છે. આ સંપૂર્ણ શ્રેણી એ અનુભૂતિ વ્યક્ત કરવા માટે નહીં, સ્વીકાર કરવા માટે લખાઈ એનો આનંદ છે. 

lata mangeshkar indian music indian classical music entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood