04 November, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીમ કરોલી બાબા જેવા આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુની કહાની પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે.
નીમ કરોલી બાબા જેવા આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુની કહાની પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. દેશથી લઈને દુનિયાભરમાં ફિલ્મ અને એને બનાવનારા લોકોનાં પણ ખૂબ વખાણ થયાં હતાં. જોકે હવે ફિલ્મની પડદા પાછળની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના નિર્માતાઓ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. આ દરમ્યાન ‘હનુમાન અંશ’ના નિર્માતાઓએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને નમ્રતા જી. સિંહ અને વિશાલ ચતુર્વેદીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણાવ્યાં છે. આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પબ્લિક રિલેશન, માર્કેટિંગ, અવૉર્ડ્સ અને પાર્ટનરશિપનું સંચાલન કરવાનો અધિકાર માત્ર તેમને જ રહેશે.
‘હનુમાન અંશ’ની શરૂઆત બૉક્સ-ઑફિસ પર ખૂબ ધીમી રહી હતી. શરૂઆતમાં ફિલ્મની કમાણી સતત ઘટવા લાગી હતી, પણ ૧૭મા દિવસે ફિલ્મે ફરી વેગ પકડ્યો અને ત્યાર પછી બૉક્સ-ઑફિસ પર રૉકેટની ઝડપે આગળ વધી હતી. એક તરફ ફિલ્મની સફળતાની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ ધીમે-ધીમે વધતી પબ્લિસિટી વચ્ચે ફિલ્મ બનાવનારી ટીમમાં મતભેદ શરૂ થયા છે અને હવે તે સ્પષ્ટપણે સામે પણ આવી રહ્યા છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી અને નિર્માતાઓ નમ્રતા જી. સિંહ, રાગિની સોના તથા અનુપ્રિયા નાગર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ફિલ્મની પબ્લિસિટીને લઈને સતત ઝઘડા થઈ રહ્યા છે. નિર્માતાઓ વચ્ચે એક ખાસ નિર્માતાને અન્યની સરખામણીમાં વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાની બાબતે વિવાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં ‘હનુમાન અંશ’ના આગામી ભાગનું ભવિષ્ય પણ જોખમમાં હોવાની ચર્ચા છે.