20 August, 2025 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અત્યુત પોતદાર
અત્યુત પોતદારનું નિધન થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં થયું હતું. તેમના નિધન વિશે વાત કરતા હોસ્પિટલના ડિરેક્ટર (ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ) ડૉ. રવિન્દ્ર ઘાવટેએ માધ્યમોને જણાવ્યું હતું કે, ‘અચ્યુત પોતદારને સોમવારે બપોરે 4 વાગ્યે શ્વાસ અને હૃદય સંબંધી સમસ્યાઓ સાથે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. રાત્રે 10:30 વાગ્યે હૃદય સંબંધી સમસ્યાઓને કારણે તેમનું નિધન થયું, કારણ કે તેમને હાઈ બ્લડ પ્રેશર અને નબળી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થની સમસ્યા હતી.’
અચ્યુત પોતદારના નિધન પર આમિર ખાને પાઠવ્યો શોકસંદેશ
મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતા અચ્યુત પોતદારનું સોમવારે 90 વર્ષની વયે નિધન થયું છે. તેમને ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ના લોકપ્રિય ડાયલોગ ‘કહેના ક્યા ચાહતે હો’થી જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેમના નિધન પછી આમિર ખાને સોશ્યલ મીડિયા પર ભાવુક શોકસંદેશ શૅર કર્યો છે જેમાં લખ્યું, ‘અચ્યુતજીના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક અદ્ભુત અભિનેતા, શાનદાર માનવી અને ઉત્તમ સહકલાકાર હતા. અચ્યુતજી, અમને તમારી યાદ આવશે. તેમના પરિવાર પ્રતિ મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.’
‘3 ઇડિયટ્સ’, ‘રંગીલા’, ‘ઇશ્ક’, ‘હમ સાથ સાથ હૈં’, ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં ઍૅક્ટિંગ કરીને લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર અચ્યુત પોતદારનું સોમવારે ૯૦ વર્ષની વયે થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં અવસાન થયું છે. તેમનું મૃત્યુ ૯૧મી વર્ષગાંઠના માત્ર ત્રણ દિવસ પહેલાં જ થયું છે. રિપોર્ટ પ્રમાણે તેમને થોડા સમય પહેલાં ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૧૯૩૪ની ૨૨ ઑગસ્ટે મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા અચ્યુત પોતદાર કૉલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી મધ્ય પ્રદેશના રેવામાં પ્રોફેસર બન્યા. એ પછી તેઓ ભારતીય સેનામાં જોડાયા અને ૧૯૬૯માં કૅપ્ટન તરીકે નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી તેમણે ૨૫ વર્ષ સુધી ઇન્ડિયન ઑઇલમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું અને ૧૯૯૨માં નિવૃત્ત થયા.
અચ્યુતે પોતદારે ઇન્ડિયન ઑઇલમાં કામ કરતી વખતે ૪૪ વર્ષની વયે ઍક્ટિંગમાં કરીઅરની શરૂઆત કરી હતી. તેમને ક્રમશઃ પહેલાં ટીવી-શોમાં અને પછી હિન્દી ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું હતું.