Don 3 વિવાદમાં રણવીર સિંહે કોર્ટના દરવાજા ખખડાવતાં FWICE દબાણમાં! અસહકારની નોટિસ…

03 June, 2026 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Don 3 Controversy: હવે ફરહાન અખ્તરની ફિલ્મ `ડોન ૩` માટેનો માર્ગ મોકળો થયો છે કારણકે રણવીર સિંહ કોર્ટમાં ગયા બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા એક્ટર સામેની અસહકારની કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવી છે

રણવીર સિંહની ફાઇલ તસવીર

`ડોન ૩` (Don 3) ફિલ્મમાંથી બહાર નીકળવા બદલ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) અને ફિલ્મ સંગઠનો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં (Don 3 Controversy) એક સકારાત્મક વળાંક આવ્યો છે. રણવીર સિંહ દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસ બાદ, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (Federation of Western Indian Cine Employees - FWICE)એ બુધવારે એક્ટર સામે જારી કરાયેલો `નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ` (અસહકારનો આદેશ) તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. બુધવારે યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ આ જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (Cine And TV Artistes` Association - CINTAA) અને ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (Indian Motion Picture Producers` Association - IMPAA) જેવી ફિલ્મ જગતની અન્ય અગ્રણી સંસ્થાઓની વિનંતી અને હસ્તક્ષેપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી રણવીર સિંહ અને ફિલ્મ સંગઠનો વચ્ચે ‘ડોન ૩’ ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદમાં હાલ પૂરતો મોટો સુધારો જોવા મળ્યો છે.

સિનેમા જગતની ટોચની સંસ્થાઓની મધ્યસ્થીથી આવ્યો ઉકેલ

ફિલ્મ `ડોન ૩`ના અભિનેતા રણવીર સિંહે ફિલ્મ `ડોન ૩` માંથી બહાર નીકળવા બદલ તેની વિરુદ્ધ જારી કરાયેલા અસહકારના આદેશ (નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ)ને પડકારતી કાનૂની નોટિસ ફિલ્મ સંગઠન (FWICE)ને મોકલી હતી. આ લીગલ નોટિસ મોકલ્યાના બીજા જ દિવસે ફિલ્મ સંગઠન દ્વારા આકરૂં વલણ પડતું મૂકીને આદેશ પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ટોચના સંગઠનોની મધ્યસ્થી અને રણવીર સિંહના કાનૂની પગલાં બાદ આ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે.

આ મોટો નિર્ણય ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPAA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (Producers Guild of India) અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)ની મધ્યસ્થી અને હસ્તક્ષેપ બાદ લેવામાં આવ્યો છે.

FWICE ના પ્રમુખ બી.એન. તિવારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘IMPAA, પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને CINTAAની વિનંતી બાદ અમે અમારો અસહકારનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી રહ્યા છીએ. અમને સલાહ આપવામાં આવી છે કે આપણે સૌએ પ્રોડ્યુસર્સ બોડી (નિર્માતા મંડળ) સાથે મળીને બેસવું જોઈએ અને એવો યોગ્ય નિર્ણય લેવો જોઈએ જેથી નિર્માતાઓ, દિગ્દર્શકો કે કલાકાર—કોઈપણ પક્ષને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.’

તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘આ બાબતમાં કોઈની જીત કે હાર થઈ નથી. રણવીર સિંહે મોકલેલી કાનૂની નોટિસનો જવાબ અમારો લીગલ ડિપાર્ટમેન્ટ આપશે.’

શું હતો સમગ્ર મામલો?

રણવીર સિંહ વિરુદ્ધ આ નોન-કોઓપરેશન આદેશ ૨૫ મેના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ એક્શન ત્યારે લેવામાં આવી જ્યારે ફિલ્મ `ડોન ૩` ના ડિરેક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) અને તેમના પાર્ટનર રિતેશ સિધવાની (Ritesh Sidhwani)એ `ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન` (Indian Film & Television Directors` Association - IFTDA)માં ફરિયાદ નોંધાવી હતી, જેમણે બાદમાં આ મામલો આગળની કાર્યવાહી માટે FWICEને સોંપ્યો હતો. જો કે, હવે ઇન્ડિસ્ટ્રીના વિવિધ સંગઠનોના હસ્તક્ષેપ બાદ આ વિવાદ હાલ પૂરતો થાળે પડ્યો હોય તેમ જણાય છે.

don 3 don ranveer singh federation of western india cinema employees fwice farhan akhtar ritesh sidhwani excel entertainment cintaa bollywood controversies entertainment news bollywood bollywood news