✕

ગોવા પોલીસે નાના પાટેકરના મૃત્યુના સંબંધમાં અનનૅચરલ ડેથનો કેસ નોંધ્યો

10 October, 2026 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરે એમ પણ જણાવ્યું હતું કે અમને મળેલી માહિતી મુજબ તેઓ હૃદયરોગના દરદી હતા અને દવાઓ લેતા હતા.

નાના પાટેકર

ગોવામાં પોતાના ઘરમાં જ મૃત્યુ પામેલા નાના પાટેકરના આકસ્મિક મૃત્યુને લઈને ગોવા પોલીસે અનનૅચરલ ડેથનો કેસ નોંધ્યો છે અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નીતિન નાઈક એની તપાસ કરી રહ્યા છે. પણજીમાં નોંધાયેલા કેસની વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે નાના પાટેકરને ડૉના પૉલાના ઓશન પાર્કથી મણિપાલ હૉસ્પિટલના કૅઝ્યુઅલ્ટી (ઇમર્જન્સી વૉર્ડ)માં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા.
તપાસના ભાગરૂપે પોલીસે મૃત્યુનું કારણ નક્કી કરવા માટે ઇન્ક્વેસ્ટ મૃત્યુની તપાસની પ્રક્રિયા કરીને ગોવા મેડિકલ કૉલેજ (GMC) ખાતે પોસ્ટમૉર્ટમની વ્યવસ્થા કરી હતી અને આ સંદર્ભે પરિવારના સભ્યો તથા અન્ય સંબંધિત વ્યક્તિઓનાં નિવેદનો નોંધશે.
પોલીસ હાલમાં નાના પાટેકરના મૃત્યુને લગતા સંજોગોની તપાસ કરી રહી છે. જો તપાસમાં સાબિત થાય કે મૃત્યુ કુદરતી કારણોસર થયું છે તો એ મુજબ કેસ બંધ કરવામાં આવી શકે છે. જોકે જો કોઈ ગેરરીતિ અથવા અન્ય શંકાસ્પદ સંજોગોના પુરાવા મળે તો આગળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આ માહિતી મણિપાલ હૉસ્પિટલના ઑન્કોલૉજી વિભાગના વડા ડૉ. શેખર સાલકરે ગુરુવારે વહેલી સવારે મીડિયાને આપ્યા બાદ સામે આવી છે. તેમણે કહ્યું હતું કે ‘અમે અહીં અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેમને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા અને તેથી અમારે પોલીસને જાણ કરવી પડી હતી. તેમને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો, પરંતુ અમને એનું કારણ ખબર નથી.’ 
ડૉક્ટરે એમ પણ જણાવ્યું હતું કે અમને મળેલી માહિતી મુજબ તેઓ હૃદયરોગના દરદી હતા અને દવાઓ લેતા હતા.

nana patekar celebrity death sports news sports cricket news