25 December, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશનના કાકા રાજેશ રોશનના દીકરા ઈશાન રોશન અને ઐશ્વર્યા સિંહનાં લગ્ન ભવ્ય રીતે સંપન્ન થયાં
મંગળવારે હૃતિક રોશનના કાકા રાજેશ રોશનના દીકરા ઈશાન રોશન અને ઐશ્વર્યા સિંહનાં લગ્ન ભવ્ય રીતે સંપન્ન થયાં. આ સમગ્ર સમારોહમાં આખા પરિવારે હાજરી આપી હતી અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. હૃતિકના પિતા રાકેશ રોશને નવદંપતી ઈશાન રોશન અને ઐશ્વર્યા સિંહનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. જોકે આ તસવીરમાં હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, રાકેશ રોશનની પત્ની પિન્કી અને રાકેશ રોશનની દીકરી સુનૈના રોશન જોવા નથી મળ્યાં. લગ્નમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આ તસવીર સાથે રાકેશ રોશને લખ્યું છે કે ‘ઈશાન રોશન અને ઐશ્વર્યાએ લગ્ન કર્યાં. ખૂબ આશીર્વાદ અને ભગવાન તમને જીવનભર ખુશીઓ આપે.’
રાકેશ રોશનના ભત્રીજા ઈશાન રોશનના મંગળવારે લગ્ન હતાં. આ લગ્ન પછી નવદંપતી જ્યારે ઘરે પહોંચ્યું હતું ત્યારે બસમાંથી ઊતરતાં જ કિન્નરોએ તેમનો રસ્તો રોકી લીધો હતો. આ સમયે કોઈ મુદ્દે રાકેશ રોશન અને એક કિન્નર વચ્ચે વાતચીત દરમ્યાન રાકેશ રોશન તેના પર ગુસ્સે થઈ ગયા હોય એવો વિડિયો ચર્ચામાં આવ્યો છે.
ઈશાન રોશનનાં લગ્નમાં આખો પરિવાર એકઠો થયો હતો. હૃતિક રોશનની મમ્મી પિન્કી રોશને આ ફંક્શનમાં હૃતિકનાં સંતાનો રેહાન અને રિધાન સાથેની એક તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરીને કૅપ્શન લખી હતી, ‘મને દાદી બનવાનો ખૂબ ગર્વ છે.’
હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ કઝિન ઈશાન રોશનનાં લગ્નના તમામ સમારંભમાં સજોડે હાજર રહ્યાં હતાં પણ લગ્નમાં સબાની ગેરહાજરી ચર્ચાનું કારણ બની હતી. જોકે સબાએ સોશ્યલ મીડિયામાં હૉસ્પિટલના બેડ પરથી પોતાની સારવાર લેતી એક તસવીર શૅર કરીને જણાવ્યું હતું કે તે અચાનક બીમાર પડી જતાં તેને સારવાર લેવી પડી હતી અને આ કારણે તે લગ્નમાં હાજરી નહોતી આપી શકી. જોકે પછી તે રિસેપ્શનમાં જોવા મળી હતી.
ઈશાન રોશનના રિસેપ્શનમાં હૃતિક રોશન પોતાના બન્ને દીકરાઓ રેહાન અને રિધાન સાથે હાજર રહ્યો. ખરાબ તબિયતને કારણે લગ્નમાં ન જોવા મળેલી હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ રિસેપ્શનમાં હૃતિકે દીકરાઓ રેહાન અને રિધાન સાથે ૧૯૯૯માં આવેલા સિંગર સુખબીરના સુપરહિટ ગીત ‘ઇશ્ક તેરા તડપાવે’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રિસેપ્શન ફંક્શન માટે હૃતિકે બ્લૅક કલરનો સૂટ પહેર્યો હતો. રેહાન ક્રીમ કલરના કુરતા-પાયજામામાં જોવા મળ્યો હતો, જ્યારે રિધાને બ્લૅક સૂટમાં પિતા સાથે ટ્વિનિંગ કર્યું હતું. તેમના ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયા પર લોકોને બહુ પસંદ પડી રહ્યો છે.
હૃતિક રોશનના કઝિન ઈશાન રોશનનાં લગ્નમાં સમગ્ર રોશન પરિવાર હાજર રહ્યો હતો. આ લગ્નના ફંક્શનમાં હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાનની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સુઝૅન અહીં અત્યંત ગ્લૅમરસ લુકમાં પહોંચી હતી અને તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બન્ને દીકરાઓ રેહાન અને રિધાન સાથેની તસવીરો પોસ્ટ કરીને એક સ્પેશ્યલ સંદેશ લખ્યો છે.
સુઝૅને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ધ મમ્મા લાયનેસ. મારા પુત્રોના સ્મિતથી મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે. મારા રે (રેહાન) અને રિજા (રિધાન). આજથી લઈને સમયના અંત સુધી તમે બન્ને મારા સૌથી બહાદુર દિલવાળા શૂરવીર રહ્યા છો. તમને બન્નેને પોતાના કહેતાં મને ખૂબ ગર્વ થાય છે.’ હૃતિક અને સુઝૅનનાં લગ્ન ૨૦૦૦માં થયાં હતાં પરંતુ ૨૦૧૪માં બન્નેના ડિવૉર્સ થયા. સુઝૅન હાલમાં અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે, જ્યારે હૃતિક રોશન અને સબા આઝાદ રિલેશનશિપમાં છે.