દૃશ્યમ 3માં અક્ષય ખન્નાને બદલે જયદીપ અહલાવત

28 December, 2025 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર કહે છે કે અમને અક્ષય કરતાં બહેતર ઍક્ટર અને તેના કરતાં સારો માણસ મળ્યો

જયદીપ અહલાવત

‘દૃશ્યમ 3’ આગામી વર્ષે બીજી ઑક્ટોબર રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના જોવા નહીં મળે પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં અક્ષય ખન્નાને બદલે એક મજબૂત રોલમાં જયદીપ અહલાવતને સાઇન કરવામાં આવ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે કન્ફર્મ કર્યું છે કે ‘દૃશ્યમ 3’માં હવે અક્ષય ખન્નાને જયદીપ અહલાવત રિપ્લેસ કરશે.

ફિલ્મમાં થયેલા આ ફેરફાર વિશે વાત કરતાં કુમાર મંગત પાઠકે કહ્યું હતું કે ‘‘દૃશ્યમ’ એક બહુ મોટી બ્રૅન્ડ છે. અક્ષય ફિલ્મમાં છે કે નહીં એથી કોઈ ફરક નથી પડતો. હવે જયદીપ અહલાવતે તેને રિપ્લેસ કરી દીધો છે. ભગવાનની કૃપાથી અમને અક્ષય કરતાં વધુ સારો ઍક્ટર મળ્યો છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તે અક્ષય કરતાં વધુ સારી વ્યક્તિ પણ છે. મેં જયદીપની કરીઅરની શરૂઆતની ફિલ્મોમાંથી એક ‘આક્રોશ’ પ્રોડ્યુસ કરી હતી. અક્ષય ખન્નાના વર્તનના કારણે મને નુકસાન સહન કરવું પડ્યું છે. હું તેની સામે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. મેં તેને લીગલ નોટિસ મોકલી છે અને હજી સુધી તેણે એનો કોઈ જવાબ આપ્યો નથી.’

રિપોર્ટ પ્રમાણે જયદીપ આવતા વર્ષે જાન્યુઆરીથી ‘દૃશ્યમ 3’નું શૂટિંગ શરૂ કરશે. તેને એક મહત્ત્વની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે જે વાર્તામાં નવો વળાંક લાવશે અને ફિલ્મને વધુ રોમાંચક બનાવશે.

jaideep ahlawat akshaye khanna drishyam upcoming movie entertainment news bollywood bollywood news