હૉરર ફિલ્મો બનાવવા માટે ફિલ્મમેકર્સ હિંમત નથી કરતા : ઇમરાન હાશ્મી

22 October, 2021 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું માનવું છે કે અત્યાર સુધી આવી ફિલ્મો બનાવનારે આ પ્રકારની ફિલ્મોને જોઈએ એટલી સારી રીતે નથી બનાવી

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીનું માનવુ છે કે ફિલ્મમેકર્સ હૉરર ફિલ્મો બનાવવા માટે હિંમત નથી કરતા. એને કારણે હૉરર ફિલ્મો ભારતમાં ઓછી બને છે. ઇમરાનની ‘ડિબુક : ધ કર્સ ઇઝ રિયલ’ ૨૯ ઑક્ટોબરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ હૉરર ફિલ્મમાં તેની સાથે નિકિતા દત્તા અને માનવ કૌલ પણ જોવા મળશે. આ મલયાલમ ફિલ્મ ‘એઝરા’ની હિન્દી રીમેક છે. ઇમરાનને પૂછવામાં આવ્યું કે અન્ય ફિલ્મોની જેમ હૉરર ફિલ્મો કેમ વધુ પૉપ્યુલર નથી. એનો જવાબ આપતાં ઇમરાને કહ્યું કે ‘આવા પ્રકારની ફિલ્મોમાં વધુ લોકો કામ નથી કરતા. લોકોએ એને વધુ એક્સ્પ્લોર નથી કરી. કેટલાય ફિલ્મમેકર્સ છે જે કંઈક નવું અને અનોખું બનાવવાની હિંમત નથી કરતા. સાથે જ કેટલાક લોકો એને એટલી સારી રીતે બનાવવાની કળા નથી રાખતા. જો ફિલ્મને સારી રીતે બનાવવામાં આવે તો દર્શકો બેસીને જોશે અને એની નોંધ પણ લેશે.’

તેને પૂછવામાં આવ્યું કે તેણે ફરીથી હૉરર ફિલ્મ કરવાનું કેમ વિચાર્યું. એ વિશે ઇમરાને કહ્યું કે ‘ફિલ્મ ‘રાઝ 3’ કર્યા બાદ મેં આવી ફિલ્મ પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું, પરંતુ ‘ડિબુક’ની સ્ટોરી અને ડિરેક્ટર જય એને કેવી રીતે બનાવવા માગે છે તેમ જ તે કેવી રીતે આપણા દેશમાં હૉરરને રીવેમ્પ કરવા માગે છે એને લઈને હું એક્સાઇટેડ હતો. આ જ કારણ છે કે હું ફરીથી હૉરર કરવા પ્રેરિત થયો હતો. આ ‍ફિલ્મ હૉરર, ડરામણી અને અણધારી છે. એમાં એક એવા કલ્ચરને દેખાડવામાં આવશે જેનાથી આપણે સૌ અજાણ છીએ. આ ફિલ્મને ઇન્ટરનૅશનલ સ્તરે હોય એ રીતે શૂટ કરવામાં આવી છે. મને લાગે છે કે અન્ય ફિલ્મો કરતાં આ અલગ બની છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips emraan hashmi