08 July, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે રવિવારે બહુ સાદગીથી ખૂબ જ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પછી બન્નેએ સત્તાવાર રીતે મીડિયા સામે પોઝ નહોતો આપ્યો પણ તેઓ જાહેરમાં જોવા મળ્યાં હતાં. ગૌરી નવીનવેલી દુલ્હનની જેમ રંગબેરંગી સૂટ-સાડીમાં નહીં પણ ખૂબ જ સાદા લોઅર અને ટી-શર્ટમાં જોવા મળી હતી. બન્ને મહેમાનોને
વિદાય આપવા માટે ઘરની બહાર આવ્યાં હતાં. જોકે ગૌરીએ આ સમયે હાથમાં મોડી ડાયમંડ રિંગ પહેરી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
બૉલીવુડના પાવર કપલ શાહિદ કપૂર અને મીરા કપૂરની ગઈ કાલે અગિયારમી મૅરેજ-ઍનિવર્સરી હતી. મીરાએ આ ખાસ અવસરે શાહિદને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવતાં એક ખાસ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શૅર કરીને શાહિદ માટે પોતાના દિલની લાગણીઓ પણ વ્યક્ત કરી છે. મીરાએ સોશ્યલ મીડિયામાં મૅડમ ટૂસૉડ્સ મ્યુઝિયમમાં શાહિદ કપૂરના મીણના પૂતળા અને રિયલ શાહિદ કપૂર સાથે પોઝ આપતી તસવીર શૅર કરીને મેસેજ લખ્યો હતો કે ‘જ્યારે ૧+૧ = ૧૧. હૅપી ઍનિવર્સરી લવ ઑફ માય લાઇફ.’
તસવીરમાં જોવા મળતી સુંદરી હાલમાં કૅન્સર સામે લડત આપીને સ્વસ્થ થયેલાં ઍક્ટ્રેસ નફીસા અલી છે. નફીસાએ ૧૯૭૬માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેમણે ટોક્યોમાં યોજાયેલી ‘મિસ ઇન્ટરનૅશનલ ૧૯૭૬’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યાં સેકન્ડ રનર-અપ રહીને દેશનું ગૌરવ વધાર્યું હતું. મિસ ઇન્ડિયાનો તાજ જીત્યાનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં નફીસા અલીએ ખાસ ઉજવણી કરી હતી અને સોશ્યલ મીડિયામાં જૂની તસવીર શૅર કરી હતી. સોશ્યલ મીડિયામાં આ જૂની તસવીરો શૅર કરતાં નફીસાએ લખ્યું, ‘આજથી ૫૦ વર્ષ પહેલાં મારા માથે ‘મિસ ઇન્ડિયા’નો તાજ સજાવવામાં આવ્યો હતો.’ નફીસા છેલ્લે ૨૦૨૨માં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બમન ઈરાની જેવા કલાકારો હતા.