Entertainment Updates: શિલ્પા શિરોડકરની દીકરી આટલી મોટી થઈ ગઈ

15 December, 2025 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: અમદાવાદમાં પણ હિમેશ રેશમિયાનો શો સોલ્ડ આઉટ; હિરોઇન બનતાં પહેલાં જ ફેમસ થઈ ગઈ નાઓમિકાઅને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

શિલ્પા શિરોડકર અને બૅન્કર અપરેશ રણજિતની દીકરી અનુષ્કા રણજિતની હાલમાં બાવીસમી વર્ષગાંઠનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં ખાસ ફૅમિલી-ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુષ્કાના પિતા અને અન્ય ફૅમિલી-મેમ્બર્સ પણ હાજર હતા. શિલ્પાએ સોશ્યલ મીડિયામાં આ ઉજવણીની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે ‘એક પર્ફેક્ટ દીકરી માટે પર્ફેક્ટ બર્થ-ડે ડિનર. ફૅમિલી, ફૂડ અને અનંત આનંદ. હૅપી બર્થ-ડે માય સ્વીટ અનુષ્કી, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારો સૌથી મોટો આનંદ અને હંમેશાં મારી બેબી રહીશ. તું જે દયાળુ, વિચારશીલ અને મજબૂત યુવતી બની રહી છે એ જોઈને મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. મમ્મા હંમેશાં તારા પડખે છે.’

બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યાં રવીનાએ

રવીના ટંડને ગઈ કાલે વિખ્યાત બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેણે આ શાંત અને આધ્યાત્મિક મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી અને કૅપ્શન લખી કે ‘રવિવારની વહેલી સવાર આવી હોય છે.’ રવીનાનાં આ દર્શન તેના અધ્યાત્મ પ્રત્યેના લગાવને દર્શાવે છે. તેણે આ વર્ષની શરૂઆતમાં દીકરી રાશા થડાણી સાથે ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી.

હિરોઇન બનતાં પહેલાં જ ફેમસ થઈ ગઈ નાઓમિકા

રાજેશ ખન્નાની દોહિત્રી અને રિન્કી ખન્નાની દીકરી નાઓમિકા સરન હાલમાં ફોટોગ્રાફર્સની નજરે ચડી ગઈ હતી અને તેની તસવીર ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. નાઓમિકાએ થોડો સમય તો સારી રીતે તસવીરો ક્લિક કરાવી પણ એક તબક્કે પછી તેણે અકળાઈને ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે ‘અબ બસ હો ગયા જી.’ રિપોર્ટ પ્રમાણે નાઓમિકા ટૂંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે મૅડૉક ફિલ્મ્સની રોમૅન્ટિક કૉમેડીમાં વેદાંગ રૈના સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે.

મુંબઈ અને દિલ્હી પછી અમદાવાદમાં પણ હિમેશ રેશમિયાનો શો સોલ્ડ આઉટ

સિંગર-ઍક્ટર હિમેશ રેશમિયા અત્યારે જબરદસ્ત ફૉર્મમાં છે. તેણે શનિવારે અમદાવાદમાં સંપૂર્ણ રીતે સોલ્ડ-આઉટ શો આપ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને હિમેશનાં ઑલ-ટાઇમ ચાર્ટબસ્ટર ગીતો પર ગાઈને અને ઝૂમીને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. મુંબઈ અને દિલ્હીમાં સતત સોલ્ડ-આઉટ શો બાદ હિમેશે અમદાવાદના સોલ્ડ આઉટ શો પછી ફરી એક વાર સાબિત કરી દીધું કે લોકોના દિલમાં તેની ખાસ જગ્યા છે. હિમેશ રેશમિયાની ગ્લોબલ લેવલે પણ સારી એવી લોકપ્રિયતા છે અને તે બ્લૂમબર્ગની ટૉપ પૉપ આર્ટિસ્ટ્સની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કલાકાર બન્યો છે.

લગ્ન પછી પહેલી વખત જાહેરમાં જોવા મળ્યાં સમન્થા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુ

ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુએ પહેલી ડિસેમ્બરે કોઇમ્બતુરના ઈશા ફાઉન્ડેશનમાં નજીકના મિત્રો તેમ જ પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પછી સમન્થા અને રાજ શનિવારે હૈદરાબાર ઍરપોર્ટ પર પહેલી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં અને તેમણે પોતાના સિમ્પલ લુકથી ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. સમન્થા અને રાજની મુલાકાત ‘ધ ફૅમિલી મેન’ની સીઝન 2ના સેટ પર થઈ હતી. આ સીઝનમાં બન્નેએ સાથે કામ કર્યું હતું. આ પછી તેમની નિકટતા વધી હતી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

અનિલ કપૂરે જૅકી શ્રોફ સાથેની ૪૧ વર્ષ જૂની મિત્રતા યાદ કરી

અનિલ કપૂરે પોતાના લાંબા સમયના મિત્ર અને ૧૯૮૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંદર બાહર’ના સહકલાકાર જૅકી શ્રોફ સાથેની ૪૧ વર્ષ જૂની મિત્રતાને ખાસ અંદાજમાં યાદ કરી છે. આ ફિલ્મનાં ૪૧ વર્ષ પૂર્ણ થવા પર અનિલે સોશ્યલ મીડિયા પર ફિલ્મની અનસીન તસવીરો શૅર કરી અને લખ્યું કે ‘ઑન અને ઑફ સેટ્સ, અમારી દોસ્તી મજબૂત થતી ગઈ, શાંતિથી, કોઈ પણ ચિંતા વગર. અમારી વચ્ચે એક સ્વસ્થ સ્પર્ધા હતી જે ધીમે-ધીમે એકબીજા માટે ઊંડા આદર અને પ્રેમમાં બદલાઈ ગઈ. એક દોસ્તી જે હું હંમેશાં સાચવીશ.’

પૈચાન કૌન?

કપિલ શર્માની લેટેસ્ટ ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ના પ્રીમિયર પર એક સમયના સુપરસ્ટાર કૉમેડિયન સુનીલ પાલની હાલત જોઈને તેને પહેલી નજરે ઓળખવાનું મુશ્કેલ બન્યું હતું. સુનીલ પાલે આ પ્રીમિયરમાં અત્યંત સાદાં કપડાંમાં તેમ જ પગમાં ચંપલ પહેરીને હાજરી આપી હતી. તે બહુ જ દૂબળો પડી ગયો છે અને તેના ચહેરા પર ચિંતા અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. સુનીલ પાલે ૨૦૦૫માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ’ જીતીને રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી. એ પછી તેણે ‘હમ તુમ’ તેમ જ ‘ફિર હેરાફેરી’ જેવી કેટલીક ફિલ્મોમાં કૉમિક રોલ કર્યા છે. ૨૦૧૦માં તેણે ‘ભાવનાઓં કો સમઝો’ ફિલ્મ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં ૫૧ કૉમેડિયન્સ હતા અને એ ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્‌સમાં નોંધાઈ હતી.

entertainment news bollywood bollywood news shilpa shirodkar raveena tandon rajesh khanna himesh reshammiya ahmedabad samantha ruth prabhu raj nidimoru anil kapoor jackie shroff sunil pal