14 June, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરોમાં બન્ને કૅમેરા સામે હસતાં અને ખુશખુશાલ અંદાજમાં પોઝ આપતાં જોવા મળે છે.
ગઈ કાલે દિશા પાટનીની ૩૪મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસે તેના એક્સ બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફની મમ્મી આયશા શ્રોફે પણ દિશા માટે ભાવુક સંદેશ શૅર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. આયશાએ સોશ્યલ મીડિયા પર દિશા સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં બન્ને કૅમેરા સામે હસતાં અને ખુશખુશાલ અંદાજમાં પોઝ આપતાં જોવા મળે છે. આ તસવીરો સાથે આયશાએ લખ્યું હતું, ‘હૅપીઅૅસ્ટ બર્થડે દિશુ! ભગવાન હંમેશાં તારા પર કૃપા વરસાવતા રહે.’
આ પોસ્ટ પર દિશાએ પણ પ્રેમભર્યો જવાબ આપતાં લખ્યું હતું કે ‘લવ યુ મારી આન્ટી, મને આપણી સાથે કરેલી મુસાફરીઓ ખૂબ યાદ આવે છે.’ દિશાના આ સંદેશના જવાબમાં આયશાએ ફરી લખ્યું, ‘ચાલો, આ વર્ષે આપણે આવી ઘણી વધુ મુસાફરીઓ કરીએ.’
દિશા અને ટાઇગરના સંબંધોને લઈને વર્ષો સુધી ચર્ચાઓ ચાલતી રહી હતી. જોકે બન્નેએ ક્યારેય પોતાના સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી નહોતી અને એકબીજાને માત્ર સારા મિત્ર તરીકે જ ઓળખાવ્યાં હતાં. આ પછી ૨૦૨૨માં બન્ને અલગ થઈ ગયાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અલગ થયા બાદ પણ દિશાનો શ્રોફ પરિવાર સાથેનો સંબંધ યથાવત્ રહ્યો છે. ખાસ કરીને ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફ સાથે તેની મિત્રતા આજે પણ ખૂબ મજબૂત છે.